સૌરાષ્ટ્ર વિજયનો ચોગ્ગો ફટકારવા સજ્જ: પુજારા, ઉનડકટ, હનુમા વિહારી જેવા ટેસ્ટ સ્ટારની રમત માણવાનો મોકો મળશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આવતીકાલથી યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન આંધ્રપ્રદેશ વચ્ચે ચાર દિવસીય રણજી ટ્રોફીની એલીટ-બી ગ્રુપની મેચ રમાશે. સૌરાષ્ટ્રની ટીમ વિજયી ચોગ્ગો ફટકારવા સજ્જ બની ગઇ છે. ચેતેશ્ર્વર પુજારા, જયદેવ ઉનડકટ અને હનુમા વિહારી જેવા ટેસ્ટ સ્ટારની બેટીંગ-બોલીંગ માણવાનો મોકો સૌરાષ્ટ્રના ક્રિકેટરસીકોને મળશે. સૌરાષ્ટ્ર અત્યાર સુધીમાં કુલ પાંચ મેચ રમી છે. જેમાં આસામ અને મહારાષ્ટ્ર સામેની મેચ ડ્રો જવા પામી હતી. પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને વધુ પોઇન્ટ મળ્યા હતા.
જ્યારે મુંબઇ સામેની મેચમાં સૌરાષ્ટ્રનો 48 રનથી, દિલ્હી સામેની મેચમાં સૌરાષ્ટ્રનો એક ઇનીંગ અને 214 રનથી જ્યારે હૈદરાબાદ સામેની મેચમાં સૌરાષ્ટ્રનો એક ઇનીંગ અને 57 રને વિજય થયો હતો. હાલ 26 પોઇન્ટ સાથે સૌરાષ્ટ્રની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. આવતીકાલથી શરૂ થતી ચાર દિવસીય રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રને હોટ ફેવરિટ માનવામાં આવે છે. બીજી તરફ 23થી તામીલનાડુ સામેની અંતિમ લીગ મેચમાં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં સામેલ થશે. જાડેજા ઇજાના કારણે ઘણા સમયથી ટીમની બહાર છે. હવે તેનો ફરી ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો હોય બીસીસીઆઇના નિયમાનુસાર તેને એક ડોમેસ્ટીક મેચ રમવી પડશે.
સૌરાષ્ટ્રની ટીમમાં સુકાની જયદેવ ઉનડકટ ઉપરાંત ચેતેશ્ર્વર પુજારા, શેલ્ડન જેક્શન, હાર્વિક દેસાઇ, અર્પિત વસાવડા, ચિરાગ જાની, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેરક માંકડ, સમર્થ વ્યાસ, યુવરાજસિંહ ડોડીયા, ચેતન સાકરિયા, પાર્થ ભૂત, જય ગોહિલ, નવનીત વોરા, દેવાંગ કરમટા અને સ્નેલ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામા પક્ષે આંધ્રપ્રદેશની ટીમમાં સુકાની હનુમા વિહારી ઉપરાંત રિકી ભૂઇ, શૈખ રશિદ, અશ્ર્વિન હેબર, કરન શિંદે, કે.વી.શશીકાન્થ, શોએબ ખાન, મનિષ, અભિષેક રેડી, લલીથ મોહન, તપસ્વી, પૃથ્વી રાજ, વાસ્મી ક્રિષ્ના, જ્ઞાનેશ્ર્વર, નીતીશકુમાર, ઉમેશ ગીરીનાથ, આશિષ, કાર્તિક રમણ અને સાધુ શરણનો સમાવેશ કરાયો છે.
તામિલનાડુ સામેની મેચમાં રવિન્દ્ર જાડેજા પણ રમશે
સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડીઓ ચેતેશ્ર્વર પુજારા, રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટનો ઓેસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બે ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇજાના કારણે રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા સમયથી ટીમની બહાર છે. બીસીસીઆઇના નિયમ મુજબ લાંબા સમયથી ટીમમાં ન હોય અને પસંદગી કરવામાં આવે તો એક ડોમેસ્ટીક મેચ રમવું ફરજિયાત છે. આ નિયમ અનુસાર રવિન્દ્ર જાડેજા આગામી 24થી 27 જાન્યુઆરી દરમિયાન ચેન્નાઇ ખાતે રમાનારી તામિલનાડુ અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચમાં ટીમમાં સામેલ થશે. હાલ પોઇન્ટ ટેબલમાં સૌરાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. હવે અંતિમ મેચમાં રવિન્દ્ર જાડેજાના સમાવેશથી ટીમ વધુ મજબૂત બની જશે.