દિલ્હીની ટીમ બીજા દાવમાં રર7 રનમાં સમેટાતા સૌરાષ્ટ્રનો એક ઇનીંગ અને ર14 રને વિજય: જયદેવ ઉનડકટ મેન ઓફ ધી મેચ
ઘર આંગણે રમાઇ રહેલી રણજી ટ્રોફીની એલીટ ગ્રુપ-બીની મેચમાં યજમાન સૌરાષ્ટ્રનો દિલ્હી સામે શાનદાર વિજય થયો છે. ગ્રુપના પોઇન્ટ ટેબલ પર સૌરાષ્ટ્ર ટોચ પર આવી ગયું છે. મેચમાં ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર સુકાની જયદેવ ઉનડકટને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે દિવસની મેચમાં સૌરાષ્ટ્રે ત્રીજી દિવસે જ જીત મેળવી લીધી છે. હવે પછીનો મેચ સૌરાષ્ટ્રની ટીમ હૈદરાબાદ સામે 10 થી 13 જાન્યુઆરી દરમિયાન રમશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડીયમમાં ગ્રાઉન્ડ-સી ખાતે રમાઇ રહેલી મેચમાં દિલ્હીના સુકાની યશ ધુલે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રના સુકાની જયદીપ ઉનડકટની પ્રથમ ઓવરમાં જ રેકોર્ડ બ્રેક હેટ્રીક સાથે આઠ વિકેટ ઝડપતા દિલ્હીનીટીમ પ્રથમ દાવમાં માત્ર 133 રનમાં સમેટાય જવા પામી હતી. ઓપનર હાર્વિક દેસાઇ અને અર્પીત વસાવડાની સદી ઉપરાંત ચિરાગ જાની, સમર્થ વ્યાસ, પ્રેરક માંકડ અને જયદેવ ઉનડકટની અર્ધી સદીની મદદથી સૌરાષ્ટ્રે 574/8 ના સ્કોરે પોતાનો પ્રથમ દાવ ડિલલેર કર્યો હતો.
બીજા દાવમાં પણ દિલ્હીની ટીમ સૌરાષ્ટ્રના બોલરો સામે ઘુંટણીયે પડી ગયા હતા. 63.5 ઓવરમાં માત્ર રર7 રનમા: ઓલ આઉટ થઇ જતાં સૌરાષ્ટ્રનો એક ઇનીંગ અને ર14 રનથી શાનદાર વિજય થયો હતો. યુવરાજસિંહ ડોડીયાએ માત્ર ર6 રન આપી પાંચ વિકેટો ખેડવી હતી. જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે, ચિરાગ જાની અને પાર્થ ભૂતે એક એક વિકેટ લીધી હતી. હેટ્રીક સાથે મેચમાં આઠ વિકેટ ઝડપનાર અને 70 રન બનાવનાર જયદેવ ઉનડકટને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રને કુલ સાત પોઇન્ટ પ્રાપ્ત થયા છે.
કુલ 19 પોઇન્ટ સાથે સૌરાષ્ટ્રની ટીમ એલટી ગ્રુપ-બીમાં પોઇન્ટ ટેબલ પર ટોચના ક્રમે પહોંચી જવા પામી છે. સૌરાષ્ટ્રે ચાર મેચમાંથી બે મેચમાં વિજય મેળવ્યો છે. જયારે બે મેચ ડ્રોમાં પરિણમી છે. જેમાં પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રને વધુ પોઇન્ટ મળ્યા હતા. હવે પછી સૌરાષ્ટ્રની ટીમ હૈદરાબાદ સામે રમશે. આગામી 10 થી 13 જાન્યુઆરી દરમિયાન આ મેચ રમાશે
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન છે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં પણ ટીમ વિજેતા બની છે. ચાલુ સીઝનમાં પણ ટીમનું પ્રદર્શન ખુબ જ સારુ રહ્યું છે.