મેચના ત્રીજા દિવસે સૌરાષ્ટ્રે અર્પિત વસાવડા અને ચિરાગ જાનીની વિકેટો ઝડપથી ગુમાવી દીધી
કોલકતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફી ની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે બંગાળ પર મજબૂત પકડ મેળવી લીધી છે. સૌરાષ્ટ્રની ટીમ તોતીંગ લીડ આગળ વધી રહ્યું છે જો કે આજે ત્રીજા દિવસની રમતના આરંભે સૌરાષ્ટ્રે અર્પિત વસાવડા અને ચિરાગ જાનીની વિકેટો ગુમાવી દીધી હતી.
સૌરાષ્ટ્ર સુકાની જયદેવ ઉનડકટે રણજી ટ્રોફીના ફાઇનલમાં ટોસ જીતી બંગાળની ટીમને બેટીંગમા ઉતાર્યુ હતું. બંંગાળની ટીમ પ્રથમ દાવમાં માત્ર 177 રનમાં ઓલ આઉટ થઇ હતી. જેના જવાબમાં બીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે પાંચ વિકેટના ભોગે 317 રન બનાવી લીધા હતા અને 143 રનની લીડ મેળવી લીધી હતી. આજે ત્રીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમે 317/5 ના સ્કોરથી રમવાનું શરુ કર્યુ હતું.
ગઇકાલે 81 રન સાથે અણનમ રહેલો અર્પિત વસાવડા આજે પોતાના અંગત સ્કોરમાં એક પણ રન ઉમેયા વિના આઉટ થઇ ગયો હતો. જયારે બીજા દિવસની રમતના અંતે 57 રન સાથે રમી રહેલા ચિરાગ જાની માત્ર 3 રન ઉમેરી અંગત 60 રને આઉટ થઇ ગયો હતો. સુકાની જયદેવ ઉનડકટે પણ ચાર રને આઉટ થઇ ગયો હતો. સૌરાષ્ટ્રની ટીમે ત્રણ વિકેટો ઝડપી ગુમાવી દીધી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રની ટીમ આઠ વિકેટના ભોગે 367 રન બનાવી લીધા છે. પ્રેરક માંકડ 31 રન સાથે જયારે પાર્થ ભૂત આઠ રન સાથે દાવમાં છે અને સૌરાષ્ટ્રની ટીમે 193 રનની લીડ મેળવી લીધી છે.