નૌશાદ શેખની સદી, સુકાની અંકિત બાવને સદી ચૂક્યો: મહારાષ્ટ્રનો સ્કોર 373/5
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાયેલી રહેલી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચેની ચાર દિવસીય રણજી ટ્રોફી મેચમાં મહારાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. નૌશાદ શેખની શાનદાર સદી અને સુકાની અંકિત બાવનેની નર્વસ નાઇટીઝના સથવારે મહારાષ્ટ્રે પાંચ વિકેટના ભોગે 272 રન બનાવી લીધાં છે. હાલ સૌરભ નવાલે અને સત્યજીત બાચ્છવ બેટીંગ કરી રહ્યાં છે.
ખંઢેરી ખાતે ગઇકાલથી રણજી ટ્રોફીના એલીટ ગ્રુપ-બીમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે ચાર દિવસીય મેચનો આરંભ થયો છે. જેમાં સૌરાષ્ટ્રના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતી મહારાષ્ટ્રને પ્રથમ બેટીંગ માટે આમંત્રિત કર્યું હતું. ઓપનર ઋતુરાજ ગાયકવાડે અડધી સદી ફટકારી હતી. પ્રથમ દિવસના અંતે મહારાષ્ટ્રની ટીમે બે વિકેટના ભોગે 253 રન બનાવી લીધાં હતાં. નૌશાદ શેખ 93 રન અને અંકિત બાવને 61 રન સાથે અણનમ હતા. આજે મહારાષ્ટ્રની ટીમે બીજા દિવસે પોતાની રમત આગળ ધપાવી હતી. દરમિયાન શેખે ફર્સ્ટ ક્લાસમાં વધુ એક સદી ફટકારી હતી.
જો કે, તે ગઇકાલના પોતાના અંગત સ્કોરમાં માત્ર 8 રન ઉમેરી 101 રન પર ચેતન સાકરિયાની બોલીંગમાં ક્લીન બોલ્ડ થયો હતો. મહારાષ્ટ્રના સુકાની અંકિત બાવને સદી ભણી આગળ ધપી રહ્યો હતો ત્યારે ડેબ્યૂટાન્ટ દેવાંગ કરમટા ત્રાટક્યો હતો. તેને અંકિતને 96 રનના સ્કોરે સ્નેલ પટેલના હાથે ઝીલાવી દીધો હતો. 329 રનના સ્કોરે ચોથી વિકેટ પડ્યાં બાદ આ જ સ્કોર ઉપર મહારાષ્ટ્રની પાંચમી વિકેટ ધરાશાયી થતાં એવું લાગી રહ્યું હતું કે સૌરાષ્ટ્રની ટીમ હવે મેચ પર પકડ લઇ લેશે પરંતુ સૌરભ નવાલે અને અંકિત બાચ્છવની જોડીએ મહારાષ્ટ્રનો વધુ રકાસ અટકાવ્યો હતો અને ટીમને સ્થિરતા આપી હતી.
આ લખાઇ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રે 137 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 373 રન બનાવી લીધાં છે. સૌરભ નવાલે 25 રન અને સત્યજીત 19 રન સાથે બેટીંગ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રવતી દેવાંગ કરમટાએ 50 રન આપી બે વિકેટો ખેડવી છે. જ્યારે ચેતન સાકરિયા, ચિરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક વિકેટો ખેડવી છે. હજુ મેચના બે દિવસ બાકી છે ત્યારે મહારાષ્ટ્રની સ્થિતિ મજબૂત જણાઇ રહી છે. મહારાષ્ટ્રે પોતાનો લીગ મેચ જીતી લીધો છે અને હાલ 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચમાં છે. જ્યારે સૌરાષ્ટ્રની ટીમને આસામ સામેની પ્રથમ મેચ ડ્રો જવાના કારણે 3 પોઇન્ટ મળ્યાં છે. પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવા માટે સૌરાષ્ટ્રે આ મેચમાં જીતવું જરૂરી છે.
અન્ય બે મેચમાં ઝારખંડની ટીમ 386 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ગોવાની ટીમે વિના વિકેટે 52 રન નોંધાવી લીધા છે જ્યારે બીજા એક મેચમાં ગુજરાતની ટીમ 307 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેમી સામે જમ્મુ-કાશ્મીરની ટીમે 118 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે.