બીસીસીઆઇની પ્રતિષ્ઠિત રણજી ટ્રોફીની સિઝનનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન ઝારખંડ વચ્ચે ચાર દિવસીય રણજી મેચો રમાઇ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના બોલરો સામે ઝારખંડો બેટ્સમેનો ખૂંટણીયે આવી ગયા છીએ. પ્રથમ દાવમાં ઝારખંડની ટીમ 49 ઓવરમાં માત્ર 142 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
બેટ્સમેનોને યારી આપતી ખંઢેરીની વિકેટ પર સૌરાષ્ટ્રના બોલરોનું શાનદાર પ્રદર્શન: ચિરાગ જાનીએ 22 રન આપી પાંચ વિકેટો ખેડવી
સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે ટીમના તમામ બોલરોએ યથાર્થ ઠેરવ્યો હતો. સ્કોર બોર્ડ પર માત્ર પાંચ રન નોંધાયા હતા. ત્યાં ઝારખંડની પ્રથમ વિકેટ ધરાશાયી થઇ ગઇ હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રના બોલરોએ હરિફ ટીમને કળ વણવા દીધી ન હતી. ઓલ રાઉન્ડર ચિરાગ જાનીએ માત્ર 11 ઓવરમાં 22 રન આપી પાંચ વિકેટો ખેડવી હતી. જ્યારે આદિત્ય જાડેજાએ 34 રનમાં બે વિકેટ અને જયદેવ ઉનડકટે 39 રન આપીને બે વિકેટો ખેડવી હતી. ઝારખંડ વતી સૌથી વધુ રન કુમાર કુશાગ્રાએ 29 રન ફટકાર્યા હતા.
જ્યારે શાહબાદ નદીમે 27 અને રાહુલ શુક્લા એ 24 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રના બોલરોએ ઘરઆંગણે શાનદાર પરર્ફોમ કરતા ઝારખંડને ટી ટાઇમ પહેલા માત્ર 142 રનમાં ઓલઆઉટ કરી પ્રથમ દિવસે જ મેચ પર પકડ મેળવી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ટીમ ગત વર્ષે રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. ચેતેશ્ર્વર પુજારા અને જયદેવ ઉનડકટ જેવા સ્ટાર ખેલાડીઓથી ટીમ ખૂબ જ મજબૂત દેખાઇ રહી છે.