રાજકોટમાં એલીટ ગ્રુપ એમાં ગુજરાત-મેઘાલય અને મધ્યપ્રદેશ-કેરેલા વચ્ચે જંગ જામશે
અબતક-રાજકોટ
બીસીસીઆઇની સૌથી મોટી ડોમેસ્ટીક ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી-2021-22માં આવતીકાલથી ત્રીજા લીગ મેચનો આરંભ થશે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે ટક્કર થશે. જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે ગુજરાત અને મેઘાલય વચ્ચે અને બીજી મેચમાં મધ્યપ્રદેશ અને કેરેલા વચ્ચે જંગ જામશે.
સૌરાષ્ટ્ર એલીટ ગ્રુપ-ડીમાં અત્યાર સુધી બે લીગ મેચ રમી ચૂકી છે. જેમાં મુંબઇ સામેની મેચમાં સૌરાષ્ટ્રની ટીમ ફોલોઓન થયા બાદ મેચ બચાવવામાં સફળ રહી હતી. મેચ ડ્રોના પરિણમી હતી. જ્યારે ઓડિશા સામેની બીજી મેચમાં સૌરાષ્ટ્રનો એક ઇનીંગ અને 131 રને શાનદાર વિજય થયો હતો.
હાલ પોઇન્ટ ટેબલમાં સૌરાષ્ટ્રની ટીમ બીજા સ્થાને છે. આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્રની ટક્કર ગોવા સામે થશે. હાલ સૌરાષ્ટ્રના મોટાભાગના બેટ્સમેનો અને બોલરો ફૂલ ફોર્મમાં છે. ભારતીય ટેસ્ટ ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્ર્વર પુજારા પણ ફોર્મ મેળવવા માટે રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. જો કે તે ફોર્મ પૂરવાર કરવામાં સફળ રહ્યો છે. બે મેચમાં તે કુલ ત્રણવાર દાવ લેવા માટે મેદાનમાં ઉતર્યો હતો. જેમાં બે દાવમાં સંપૂર્ણ ફેઇલ ગયો છે. જ્યારે એક ઇનીંગમાં 91 રન ફટકાર્યા હતા.
આવતીકાલથી ગોવા સામે શરૂ થતી મેચ પુજારા માટે ફોર્મમાં પરત ફરવાની અંતિમ તક સમાન બની રહેશે. સૌરાષ્ટ્રના ચિરાગ જાનીએ બીજી મેચમાં ઓડિશા સામે આક્રમક આકર્ષક બેવડી સદી ફટકારી હતી. જેના પરિણામે સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો હતો. રણજી ટ્રોફીના એલીટી ગ્રુપ-એ ની યજમાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કરી રહ્યું છે. ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને મેઘાલય વચ્ચે જ્યારે બીજી મેચમાં મધ્યપ્રદેશ અને કેરેલા વચ્ચે જંગ જામશે.