રાજકોટમાં ગુજરાત-કેરાલા અને મધ્યપ્રદેશ-મેઘાલય વચ્ચે જંગ જામશે
અબતક-રાજકોટ
સૌથી મોટી ડોમેસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી-2021-22માં એલીટ ગ્રુપ-ડીમાં આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલથી સૌરાષ્ટ્ર અને ઓડિસા વચ્ચે ચાર દિવસીય મેચનો આરંભ થશે. મુંબઇ સામેની પ્રથમ મેચમાં ફોલોઓન થયા બાદ સૌરાષ્ટ્રના બેટ્સમેનો મેચ ડ્રો સુધી ખેંચી જવામાં સફળ રહ્યા હતા. ડિફેન્ડીંગ ચેમ્પિયન સૌરાષ્ટ્ર માટે ઓડિસા સામેની મેચમાં જીત મેળવવી જરૂરી છે. દરમિયાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે કાલથી ગુજરાત અને કેરાલા જ્યારે બીજી મેચમાં મધ્યપ્રદેશ અને મેઘાલય વચ્ચે મુકાબલો જામશે.
મુંબઇ સામેની પ્રથમ રણજી મેચમાં સૌરાષ્ટ્રના બોલરો અને ત્યારબાદ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. પ્રથમ દાવમાં ફોલોઓન થયા બાદ સૌરાષ્ટ્રના બેટ્સમેનોએ ધૈર્ય પૂર્વક બેટીંગ કરી મેચ ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહ્યા હતા.મેચમાં ભારતીય ટેસ્ટ ટીમમાં સ્ટાર બેટ્સમેન અને છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ્સ ચેતેશ્ર્વર પુજારા અને અજિંક્ય રહાણેને રણજી ટ્રોફી રમવા આદેશ કરવામાં આવ્યો છે અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી હકાલપટ્ટી પણ કરવામાં આવી છે. આ બંને ટેસ્ટ સ્ટાર બેટ્સમેને પ્રથમ મેચથી જ ફોર્મ મેળવી લીધુ છે. રહાણેએ સદી ફટકારી હતી અને પુજારાએ 91 રન ફટકાર્યા હતા.
આવતીકાલથી 27મી ફેબ્રુઆરી સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એલીટ ગ્રુપ-ડીના મેચમાં સૌરાષ્ટ્ર-ઓડિસા અને બીજી મેચમાં મુંબઇ-ગોવા વચ્ચે ટક્કર થશે.જ્યારે એલીટ ગ્રુપ-ડીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત વિરૂધ્ધ કેરાલા અને મધ્યપ્રદેશ વિરૂધ્ધ મેઘાલય વચ્ચે જંગ જામશે. આગામી 3 થી 6 માર્ચ દરમિયાન અમદાવાદમાં સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે જ્યારે બીજી મેચમાં મુંબઇ અને ઓડિસા વચ્ચે મેચ રમાશે.
જ્યારે રાજકોટમાં 3 થી 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગોવા વચ્ચે જ્યારે મુંબઇ તથા ઓડિસા વચ્ચે મેચ રમાશે. મુંબઇ સામેની પ્રથમ મેચ ડ્રોમાં પરિણમી હતી. પ્રથમ દાવમાં લીડના આધારે મુંબઇને ત્રણ પોઇન્ટ મળ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્રને માત્ર 1 પોઇન્ટ મળ્યો હતો. હવે સ્પર્ધામાં ટકી રહેવા માટે સૌરાષ્ટ્ર માટે બીજી મેચ જીતવા લગભગ ફરજીયાત જેવી બની ગઇ છે.