બંને મેચમાં વિજય સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલું સૌરાષ્ટ્ર ઘરઆંગણે જીત માટે હોટ ફેવરીટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે યજમાન સૌરાષ્ટ્ર અને મહેમાન ઉત્તરપ્રદેશ વચ્ચે રણજી ટ્રોફીનાં એલીટ ગ્રુપ-બીનો ચાર દિવસીય મેચનો આરંભ થશે. બંને મેચ જીતી હાલ પોઈન્ટ ટેબલમાં ૧૩ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહેલું સૌરાષ્ટ્ર ઉત્તરપ્રદેશ સામેની ઘરઆંગણે રમાનારી રણજી ટ્રોફીની મેચમાં હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. બેટસમેનો સાથે સૌરાષ્ટ્રનાં બોલરો પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. સુકાની જયદેવ ઉનડકટે બંને મેચમાં આગ ઝરતી બોલીંગનું પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચનો ખિતાબ હાંસલ કર્યો હતો. ચેતેશ્ર્વર પુજારાની હાજરીથી સૌરાષ્ટ્રનું બેટીંગ લાઈનઅપ ખુબ જ મજબુત થઈ છે.
ખંઢેરી સ્ટેડિયમ ખાતે આવતીકાલે સવારે ૯ વાગ્યાથી સૌરાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ વચ્ચે ચાર દિવસીય રણજી ટ્રોફી મેચનો આરંભ થશે. ખંઢેરીની પીચ બેટસમેનોને યારી આપવા માટે જાણીતી છે. અહીં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ લેશે તેવું માનવામાં આવી રહ્યું છે. એલીટ-બી ગ્રુપમાં ધર્મશાલા ખાતે રમાયેલી પ્રથમ મેચમાં સૌરાષ્ટ્રે હિમાચલપ્રદેશને ૫ વિકેટથી પરાજય આપ્યો હતો. જયારે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બીજી મેચમાં સૌરાષ્ટ્રે રેલવેઝને એક ઈનીંગ અને ૯૦ રનથી કારમો પરાજય આપી બોનસ પોઈન્ટ સાથે શાનદાર વિજય મેળવ્યો હતો. હાલ બી ગ્રુપમાં પોઈન્ટ ટેબલ પર ૧૪ પોઈન્ટ સાથે પંજાબની ટીમ પ્રથમ ક્રમે છે જયારે ૧૩ પોઇન્ટ સાથે સૌરાષ્ટ્ર બીજા ક્રમે છે. ઉત્તરપ્રદેશ પોતાની એક પણ લીગ મેચ જીતી શકયુું નથી. માત્ર બે પોઈન્ટ મળ્યા છે અને પોઈન્ટ ટેબલમાં તે ૧૨માં ક્રમે છે જે રીતે સૌરાષ્ટ્રની ટીમે પોતાના પ્રથમ બંને મુકાબલા જીતી લીધા છે તે જોતા કાલથી ઘરઆંગણે ઉત્તરપ્રદેશ સામે રમાનારી ચાર દિવસીય મેચમાં સૌરાષ્ટ્રની ટીમને હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. ચેતેશ્ર્વર પુજારા ઉપરાંત અર્પિત વસાવડા સહિતનાં બેટસમેનો ખુબ જ સારા ફોમમાં છે જયારે સામાપક્ષે બોલીંગ આક્રમણ પણ મજબુત છે. સુકાની જયદેવ ઉનડકટે બંને મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ હાંસલ કર્યો હતો તેની આગેવાનીમાં બોલીંગ ડિપાર્ટમેન્ટ પણ ખુબ જ સુંદર પર્ફોમન્સ કરી રહ્યું છે. કાલે સવારે ૯:૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.