લોકમેળાના સ્થળની બહાર રેસકોર્ષ રીંગ રોડ ફરતે બેસતા ગરીબ અને નાના વર્ગના પાથરણાવાળા વેપારીઓની લોકમેળા ગ્રાઉન્ડમાં જ વ્યવસ્થા કરવામાં આવતા, ટ્રાફિકની સમસ્યામાં પણ ખુબ જ રાહત રહેલ….
મેયર બિનાબેન આચાર્ય એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરમાં યોજાતો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં ખુબ જ લોકપ્રિય છે. રાજકોટ શહેર તથા આજુબાજુના શહેરો જેવા કે, મોરબી, ગોંડલ, વાંકાનેર જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારોના અસંખ્ય લોકો પણ મન ભરીને આ લોકમેળો માણવા આવે છે.
ચાલુ વર્ષે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧-૦૯-૨૦૧૮ થી ૦૫-૦૯-૨૦૧૮ દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગોરસ લોકમેળો-૨૦૧૮ કોઈપણ જાતના અઘટિત બનાવ/ઘટના વગર ખુબ જ આંનદ ઉલ્લાસ સાથે રંગેચંગે પૂર્ણ થયેલ છે. આ અગાઉ દર વર્ષે લોકમેળામાં રેસકોર્ષ રીંગ રોડ ફરતે નાના અને ગરીબ વર્ગના પાથરણાવાળા વેપારીઓ બહાર બેસી, ધંધો કરતા. જેને કારણે રીંગ રોડ પર આવન-જાવન કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી તેમજ ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવતી જેથી આ સમસ્યા નિવારવા મેયરશ્રીએ આ નાના વેપારીઓને પોતાની રોજી રોટી મળી રહે અને ટ્રાફિકની સમસ્યાનો પણ ઉકેલ આવે તે માટે જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી, આવા ૩૫૦ થી ૪૦૦ નાના વેપારીઓને રેસકોર્સની અંદર જ બેસવાની વ્યવસ્થા કરાવવામાં આવેલ જેના કારણે લોકમેળો માણવા માટે પગપાળા ચાલીને આવતા લોકોને ખૂબ જ રાહત મળેલ અને ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવેલ નહી.
જીલ્લા વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ વિભાગ તેમજ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાથે મળીને કરવામાં આવેલ કામગીરીને કારણે લોકમેળો આનંદ ઉલ્લાસથી સંપન્ન થયેલ છે. આ લોકમેળામાં આશરે ૯ થી ૧૦ લાખ લોકોએ ઉત્સાહભેર માણેલ હતો.
રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ત્રણ પાળીમાં સફાઈ કામદારોની વ્યવસ્થા કરવામાં આવેલ, જેમાં સવારના ૭૦ કામદારો, બપોરના ૨૦ કામદારો તેમજ રાત્રિ દરમ્યાન ૧૩૦ કામદારોની ફાળવણી કરવામાં આવેલ. વિશેષમાં, લોકમેળા દરમ્યાન આશરે ૧ ટન જેટલો કચરો સમાય તેવી ૨૭ કચરાપેટીઓ, તેમજ આશરે ૯ ટન સમાય તેવા ૧૭ ડમ્પર દ્વારા દૈનિક ધોરણે કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ આશરે ૭ કિલો જેટલું પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવેલ. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાણીપીણીના ૧૧૬ જેટલા વેપારીઓને ટેમ્પરરી લાયસન્સ આપવામાં આવેલ. લોકમેળા દરમ્યાન પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવેલ, જેના પરિણામે, આશરે ૧૮૭૦ કિલોગ્રામ જેટલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરેલ. તેમજ આશરે ૧૮૦ લિટર જેટલી ચટણીનો નાશ કરવામાં આવેલ. ઉપરાંત ચાસણી, પાણીપુરીનું ખરાબ પાણી વિગેરે અખાદ્ય સામગ્રીનો પણ નાશ કરવામાં આવેલ. આ ઉપરાંત રૂ.૧૭,૦૦૦ જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.