આકાશમાં વિહર્યા એલિયન્સ, ટર્ટલ્સ, ડ્રેગન, વાઘ અને સાપ સહિતના પ્રાણીઓ: ૩૧માં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૧૫૦ થી વધુ પતંગોબાજોએ અવનવી પતંગો લહેરાવી
ગુજરાતનું આતિથ્ય માણતા વિદેશી પતંગબાજો: ગુજરાતી વ્યંજન, સંગીત અને આવકાર પસંદ
રાજકોટ મહાનગર પાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૫ દેશના ૫૦ વિદેશીઓ અને અન્ય ૭૩ પતંગબાજોએ વિવિધ થીમ પર વિશાળ કદની અવનવી પતંગો આકાશમાં ચગાવી ઉપસ્થિત શહેરીજનોને રોમાંચિત કરી દીધા હતાં.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો. આ મહોત્સવ તા. ૧૪ સુધી વિવિધ સ્થળો પર ઉજવવામાં આવી રહ્યો છે જેના અનુસંધાને આજ રાજકોટ ખાતે આયોજિત પતંગ મહોત્સવમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, બેલ્જિયમ, કંબોડિયા, કેમરૂન, ચાઇના, કોલંબિયા, ક્રોએશિયા, ડેનમાર્ક, ફ્રાન્સ સહીત વિવિધ દેશોના ૫૦ વિદેશી પતંગબાજો, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, પંજાબ રાજ્યોના ૩૫ અને રાજકોટ શહેરના ૭૩ જેટલા પતંગબાજોએ એલિયન્સ, ટર્ટલ્સ, ડ્રેગન, વાઘ અને સાપ સહિતના પ્રાણીઓ હવામાં લહેરાવ્યા હતાં.
આ પ્રસંગે મેયર મતી બીનાબેન આચાર્યએ પ્રાસંગીક પ્રવચનમાં રાજકોટની રંગીલી જનતાને પતંગોત્સવ માણવા માણવા અનુરોધ કર્યો હતો તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસની ઝાંખી આપી હતી. મ્યુ કમિશનર ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં દેશ વિદેશના પતંગવીરોને આવકાર્યા હતાં. ઉપસ્થિત પતંગબાજો અને શાળના વિદ્યાર્થીઓએ સંગીતના સથવારે નાચગાન તેમજ પતંગોને માણી હતી.
વિદેશી પતંગબાજોએ સંગીતના સથવારે ઉત્સાહપૂર્વક પતંગો ચગાવી ગુજરાતનું ભોજન અને આતિથ્ય માણ્યું હતું. કેરાલાના પતંગવીરોએ સ્મૃતિ ચિન્હ આપી આયોજકોની સરાહના કરી હતી. પંજાબના પતંગવીરોએ સ્વચ્છતા, બેટી બચાઓ તેમજ શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે પતંગો ચગાવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષ વાગડિયા, અગ્રણી સર્વે નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભીખાભાઇ વસોયા અશ્વિનભાઈ મોલીયા, ભાનુબેન બાબરીયા, દેવાંગભાઈ માકડ, દલસુખભાઈ જાગાણી, ટુરિઝમના અધિકારીશ્રી પઢીયાર વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહીત આ પતંગોત્સવને માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.