રંગો દ્વારા લાગણીની અભિવ્યક્તિ રંગોળીલ, આપણા ધાર્મિક અને સામાજિક પ્રસંગોનું અભિન્ન અંગ : તે પ્રકાશપર્વે જીવનમાં ખુશીઓનાં રંગ ભરી દે છે: રંગોળી એ પ્રેમનું પ્રતીક, સ્વાગતનું સ્વસ્તિક, રંગરૂપી ભાવ અને આકૃતિરૂપ આવકાર છે
- દિવાળી અને રંગોળી એકબીજાના પર્યાય
- દિવાળીના પર્વમાં અગિયારસથી શરૂ કરીને ગુજરાતી નવા વર્ષ સુધી આપણે આંગણામાં રંગોની
- કલાત્મક અભિવ્યક્તિ સાથે રંગોળી બનાવીએ છીએ આજના નવા જમાનામાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી
- રંગોળીમાં ઘણી વિવિધતા આવી ગઈ છે
દિવાળીના પ્રકાશ પર્વે જમીન ઉપર નિર્માણ કરાતી રંગોળી નો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ તેનું આગમન મોહેંજોદરો અને હડપ્પા સંસ્કૃતિ સાથે થયો છે. પ્રાચીન વાસ્તયાયનની ચોસઠ કલામાં પણ એક કલા રંગોળી નિર્માણની પણ છે. પ્રાચીન યુગમાં રંગોળી બનાવવા કોરો, ભીનો ચોખાનો લોટ, રેતી, હળદર સિંદૂર, અને ફુલ પાન વગેરેનો ઉપયોગ કરતા હતા, એ વખતે માત્ર જમીન પર જ નહીં ભીંત પર પણ રંગોળી કરતા હતા. આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રથા જોવા મળે છે. ગુજરાતની પ્રજા રંગોળીને સમૃદ્ધિનું પ્રતીક ગણે છે. રંગોળીના વિવિધ રંગો અને દ્રશ્ય આપણા વિચારોને પ્રભાવિત કરે છે.
દિવાળી અને રંગોળી એકબીજાના પર્યાય છે , તેના વગર દિવાળીનો તહેવાર ફિક્કો લાગે છે. રંગોળી એ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાનું પ્રતિબિંબ છે, માત્ર દિવાળી ઉપર જ નહીં પરંતુ દરેક શુભ પ્રસંગે આંગણામાં રંગોળી પાડવાનો રિવાજ છે.
ગુજરાતમાં સાથીયા તો મહારાષ્ટ્રમાં રંગાવલી, રાજસ્થાનમાં માંડણા, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના, છત્તીસગઢની ચોકપુરા અને આંધ્રપ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે. આજે પણ હાથથી પાડવામાં આવતી રંગોળીની વાત નોખી જ ગણાય છે.
પાંચ દિવસનાં દિપોત્સવી પર્વે ઘરના દ્વારે સુંદર સજાવટ સાથે લાઇટીંગનો ઝગમગાટ જોવા મળે છે, દરરોજ વિવિધ રંગોળી અને બેસતા વર્ષે મીઠાઇને મુખવાસની મિજબાની થાય છે. આજથી સમગ્ર કાઠિયાવાડ તેના અનેરા મહત્વના તહેવારની પ્રજા ઉજવણી કરે છે. દેશનાં વિવિધ પ્રાંતો અનુસાર શૈલી બદલાય પણ ઉત્સાહ અને ઉમંગ સૌનો એક જ જોવા મળે છે. લોક કથા અનુસાર રાવણ વધ બાદ રામ-સીતા સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર પ્રજાએ પોતાના ઘરનાં આંગણે રંગોળી બનાવીને તેઓને સત્કાર્યા હતા. રંગોળીને કારણે દુષ્ટ આત્મા ઘરથી દૂર રહે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ખુશી લાવે તેવી પણ માન્યતા છે. ભારતીય વિવિધ પ્રાંતોની લોકકલાની પરંપરાનો ઇતિહાસ છે. હજારો વર્ષોથી ભારતીય ગૃહિણીઓ તહેવાર કે શુભ પ્રસંગે પ્રતિક સમા આંગણાનો શણગાર કરે છે. એક લોકવાયકા મુજબ દેવતાઓની આરાધના રૂપમાં પણ આંગણે રંગોળી કરી ને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગો ભરીએ છીએ , રંગોળીમાં આપણી પ્રકૃતિ જોવા મળે છે. રંગોળીમાં ફૂલ, પાન, પક્ષીઓ સાથે વિવિધ ડિઝાઇન જોવા મળે છે. આપણા દેશનાં વિવિધ ભાગોમાં અલગ અલગ રંગોળી જોવા મળે છે.
આજે ચિરોડી સાથે સિંથેટીક રંગોના ઉપયોગથી રંગોળી ચમકતી જોવા મળે છે. કેટલાક કલાકારો ત્રિ-આયામી તો કેટલાક પાણીમાં કે અનાજ અને દાણાના મદદથી આખી રંગોળી બનાવે છે. દિપોત્સવી પર્વે આંગણે દોરાતી રંગોળીનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. પ્રવેશદ્વાર કે આંગણામાં પ્રકાશપર્વે નવરંગી રંગોળી બનાવે છે. આ શબ્દ સંસ્કૃતનો છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીની અભિવ્યક્તિ કરવી એવો થાય છે. આપણાં ધાર્મિક અને સામાજીક પ્રસંગોમાં રંગોળી હવે જોડાઇ ગઇ છે.
તેને ધાર્મિક અને સંસ્કૃતિક માન્યતા મળી ચૂકી છે. આજે આ પર્વમાં તેની સ્પર્ધામાં પણ થાય છે. કલાકારો આખો દિવસ રંગોળી સ્કેચ કરીને વાસ્તવિકતા સભર સુંદર ચિત્ર નિર્માણ કરે છે. વર્ષો પહેલા મીંડાના માધ્યમથી રેખાઓ જોડીને વિવિધ રંગોળી બનતી હતી. દિવાળીની તૈયારી એક વીક અગાઉ જ શરૂ થઇ જાય છે. ઘર સજાવટ, તોરણ, હાર, દિવડા, ફટાકડા, મુખવાસ, લાભ-શુભ, સાથીયા-લક્ષ્મીજીનાં પગલા વિગેરેની ખરીદી સાથે બજારોમા રોનક જોવા પણ પરિવાર જાય છે.
નવલા વર્ષે એક બીજાના ઘેર મળવા જવાની આપણી પરંપરા છે. વડિલોના આર્શિવાદ લેવાનો રિવાજ છે. નવલા વર્ષે પ્રભાતિયા સમયથી જ મહેમાન આવી જાય, અમુક તો તમારા રંગોળીના વખાણ કરતા જ ઘરમાં પ્રવેશ કરે છે. પરિવારના સંબંધી પણ આ દિવસે અવશ્ય સાલ મુલારક કરવા આવે છે. નવા રંગ રૂપ સાથે સંસ્કૃતિની ધરોહર-મહેમાન ગતિ-નવલાવર્ષે સવારથી સાંજ જોવા મળે છે, જેમાં ‘મુખવાસ’નું અનેરૂ મહત્વ આદી કાળથી ચાલતું આવે છે.
દિપોત્સવી પર્વે કલર ફૂલ કપડા, રંગોળી અને રંગ-બેરંગી ઘર સજાવટનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. લોકોના મુખ ઉપર આનંદ ઉલ્લાસ જોવા મળે છે. આપણો આ સૌથી પ્રાચિન તહેવાર છે. ભારત સિવાય વિશ્ર્વનાં અડધા ઉપરનાં દેશો પણ દિપોત્સવી રંગે રંગાય છે. જીવનનાં વિવિધ રંગો, કલરકુલ જીવન સાથે ફટાકડા-રંગોળીને મુખવાસ, મીઠાઇનો સંગમ થાય છે , ને આપણું જીવન ધબકતું રહે છે. આપણી ઘરોહરમાં વિવિધ તહેવારોમાં સૌથી મોટો તહેવાર દિવાળી છે. દિવાળીના પાંચ દિવસ આપણી સંસ્કૃતિની ઝલક સાથે મહેમાનગતીનો સત્કાર જોવા મળે છે. સમગ્ર લોકો આ દિવસોમાં વેપાર ધંધા બંધ કરીને ઉત્સવમાં જોડાય છે. બાળથી મોટેરાનો આનંદ નવી વસ્તુઓ, નવો રોમાંચ સાથે જીવનનો અંધકાર આ પ્રકાશ પર્વે ઉલેચે છે. નવલા વર્ષે નવા સંકલ્પ સાથે માનવી નવજીવન શરૂ કરે છે.
રામાયણમાં પણ ઉત્સવ પ્રસંગે રંગોળીનો ઉલ્લેખ
માનવ જયારથી સમજતો, પોતાન ભાવ વ્યકત કરતો થયો ત્યારથી પોતાના મનોભાવ વ્યકત કરવા, પોતાના મનગમતા ચીત્રો રેતી વિ. વિવિધ જગ્યાએ દોરતો. સંસ્કૃતિ અને સંસ્કારનાં ઉત્તથાનની સાથો સાથ તે દિવાલો ઉપર ચીત્રો દોરી ભીતરનાં ભાવ વ્યકત કરતો હતો , આમ ઘીરે ધીરે રંગોળીનો ઉદભવ થયો હશે. એજ રીતે મીસર સંસ્કૃતિમાં પણ રંગોળીનો ઉલ્લેખ જોવા મળે છે. રામાયણમાં પણ ઉત્સવ પ્રસંગે, મંદિરોમાં તેમજ તૂલસી કયારાઓ પાસે રંગોળી કરાયાનો ઉલ્લેખ મળે છે. રંગોળીમાં ટપકાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે, જયારે સિધો ત્રિકોણ એ શિવ જેને ઉર્ધ્વમૂખ કહેવાય અને અર્ધોમુખ ઉાલ્ટો ત્રિકોણ એ શકિતનું પ્રતિક છે. જયારે ત્રિકોણના ત્રણ બિંદુ એ ત્રણ કાળનો સંકેત કરે છે. વર્તુળ એ સમયનું સૂચન કરે છે.