નાના વેપારીઓને કનડગત કરતા તંત્રના ‘ગુજરી’ સામે આંખ આડા કાન
સામાજીક અંતર જાળવાતું નથી ને માથાના દુ:ખાવા જેવી ટ્રાફિક સમસ્યા
શહેરની રંગમતી નદીમાં રવિવારે ભરાતી ‘ગુજરી’એ નગરની રંગત બગાડી છે. નદીમાં ભરાતી ગુજરીએ સામાજીક અંતરનાં નિયમોની ઐસીતૈસી કરી રોગચાળાને આમંત્રણ આપવા સાથે ટ્રાફિક સમસ્યા પણ ઉભી કરી છે.
શહેરમાં નાના વેપારીઓને મ્યુ. તંત્ર તથા પોલીસ દ્વારા કનડગત કરવામાં આવે છે. જ્યારે ગુજરી બજારમાં ભીડ થાય છે અને ટ્રાફિક જામ થાય છે ત્યાં તંત્ર ઉદાસીન બની આંખ આડા કાન કરતું હોવાની લોક ફરિયાદો ઉઠી છે.
જામનગરમાં રંગમતી નદીના મેદાનમાં દર રવિવારે ગુજરી બજાર ભરાય છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું કોઇ પણ પ્રકારનું પાલન થતું નથી અને હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકઠી થાય છે. એટલું જ માત્ર નહીં વાહનોના થપ્પા લાગી ગયા હોવાથી ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. નાના વેપારીઓને ત્યાં પોલીસ તંત્ર દંડા પછાડીને તેમજ મહાનગરપાલિકા દ્વારા કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગુજરી બજાર કે જ્યાં હજારોની સંખ્યામાં મેદની એકત્ર થાય છે અને કલાકો સુધી ટ્રાફિકજામ જેવી પરિસ્થિતિ સર્જાય છે તેમ છતાં વહીવટીતંત્ર ફરકતૂ નથી જેથી વહીવટી તંત્રની બેઘારી નીતિ સામે અનેક સવાલો ઉભા થયા છે.
રંગમતી નદીના પટમાં દર રવિવારે ગુજરી બજાર ભરાય છે જેમાં મોટી સંખ્યામાં રેકડી- પથારાવાળાઓ જુનો માલ સામાન વેચાણ કરવા આવે છે જે રંગમતી નદીના પટ ઉપરાંત છેક નાગનાથ ગેઇટ ચોકડી થી સ્મશાન ગૃહ વાળા રોડ અને વ્હોરાના હજીરા તરફ જવાના માર્ગ ઉપર રેકડી પથારા ખડકી દઇ અડિંગો જમાવી દેતા હોય છે અને રોડની બન્ને તરફ લોકોનો પણ ભારે ધસારો હોવા થી નાગેશ્વર તરફ જનારા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
રવિવારે બપોરે ગુજરી બજારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને એક કલાક સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. મોડેથી પોલીસ ટુકડી આવી હતી, અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. શહેરમાં પોલીસ તંત્ર દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા નાના મોટા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે ગુજરી બજારમાં મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વિના ફરતા હોય છે ઉપરાંત હજારોની સંખ્યામાં અવર જવર અને ભીડ થતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જે મામલે વહીવટીતંત્ર એ યોગ્ય કરવાની માંગ ઉઠી છે.