ડ્રગ્સના સેવન વિરૂદ્વ જાગરૂકતા લાવવા આયોજીત હાફ મેરેથોનને ગૃહમંત્રી હર્ષ સંઘવી આપશે ફ્લેગ ઓફ: આયોજકો દ્વારા તૈયારીને આખરી ઓપ
રાજકોટ રનર્સ એસોસીએશન, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશન, રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગરૂકતા લાવવાના શુભ આશય સાથે યોજાનાર નાઇટ હાફ મેરેથોન માટે આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તા.25 માર્ચને શનિવારના રોજ રાત્રે 09:30 કલાકે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતેથી નાઇટ હાફ મેરેથોનનું ઉદ્વાટન અને ફલેગ ઓફ ગુજરાતના રમત-ગમત મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવશે.
નાઇટ હાફ મેરેથોન દરમિયાન દર બે કીમીના અંતરે સ્પર્ધકો માટે હાઇડ્રેશન કાઉન્ટર રખાશે અને ઓન રૂટ એમ્બ્લ્યુલન્સ સહિતની મેડીકલ ફેસેલીટી હાજર રખાશે, તેમજ વોલીયન્ટર્સ પણ આખા રૂટ પર તૈનાત રહેશે, જેથી સ્પર્ધકોને ગાઇડ કરી શકાય. આખા રૂટ પર લાઇટીંગની પણ વ્યવસ્થા કરાશે. સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શહેરની જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ, ભૂષણ સ્કૂલ, ન્યુ એરા સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ, શક્તિ સ્કૂલ અને તપન સ્કૂલના બાળકો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલ ચિયરીંગ સ્ટેજ પરથી મ્યુઝિક અને ડાન્સ દ્વારા સ્પર્ધકોમાં જોમ અને જુસ્સો વધારશે. આયોજકો દ્વારા વિવિધ રનર્સ ગ્રુપના માધ્યમથી દોડવીરોને સ્પર્ધા પહેલા શું કરવું અને શું ન કરવું તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી સ્પર્ધા દરમિયાન કોઇ તકલીફ ન થાય અને સારી રીતે પરર્ફોમ કરી શકે.
શહેરની ટ્રાફિકની સમસ્યામાં વધારો ન થાય, તેમજ અન્ય શહેરીજનોને કોઇ તકલીફ ન પડે તે માટે આયોજકો દ્વારા તમામ સ્પર્ધકો અને તેમનો ઉત્સાહ વધારવા આવનાર શહેરીજનોને પોતાના વાહનો આયોજકો દ્વારા સુચવેલ જગ્યાઓ પર જ પાર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. ફોર વ્હિલર માટે આયકર વાટીકાની બાજુમાં આવેલ રિલાયન્સનું ગ્રાઉન્ડ અને બહુમાળી ભવનના ગ્રાઉન્ડમાં પાર્કીંગ વ્યવસ્થા છે. જ્યારે ટુ વ્હિલર માટે સર્કિટ હાઉસ સામે એસ.બી.આઇ બેન્કના ગ્રાઉન્ડ ઉપરાંત એરપોર્ટ ફાટક પાસેથી રેલ્વે ટ્રેકની બન્ને તરફના રોડ ઉપર તેમજ રેસકોર્ષ રીંગરોડ પર ફન વર્લ્ડ સામેની શેરીઓમાં કોઇને તકલીફ ન પડે તે રીતે પાર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.
આ નાઇટ હાફ મેરેથોનના આયોજનને સફળ બનાવવા રાજકોટ રનર્સ એસોસીએશન, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ઉપરાંત રાજકોટની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના વોલીયનટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.