રેસકોર્સ મેદાનમાં આગામી 5થી 9 સપ્ટેમ્બર સુધી ભવ્ય લોકમેળો યોજાશે: સૌરાષ્ટ્રભરના લાખો લોકો માણશે મેળાની મજા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.5થી 9 સપ્ટેમ્બર દરમ્યાન શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવામાં આવશે. રાજકોટની આગવી ઓળખ સમાન જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાનું ‘રસરંગ’ નામકરણ કરવામાં આવ્યું છે. તેની સાથોસાથ આ ભાતીગળ લોકમેળામાં મેપ તેમજ સ્ટોલ્સ/ રાઈડ્સના પ્લોટ માટેના ભાવો પણ જાહેર કરાયા છે.
સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સાતમ આઠમના પર્વે ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. જો કે આ વખતે ટિકિટના દર રૂ. 20ના 30 અને 30ના રૂ. 40 કરવામાં આવ્યા છે. આમ બન્ને પ્રકારની ટિકિટમાં રૂ. 10નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ 15 કેટેગરીના 355 પ્લોટ અને સ્ટોલ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 24થી 28 જુલાઈ ડ્રો અને હરરાજી ચાલશે.