999 નંબર માટે રૂ. 16.90 લાખનું હાઈએસ્ટ બિડિંગ : સિંગલ 9 માટે રૂ. 14.20 લાખની બોલી લાગી
રંગીલા રાજકોટીયન્સે વાહનમાં તેમની પસંદગીના નંબર મેળવવા માટે કુલ 1.71 કરોડનું ઓનલાઇન બિડિંગ કર્યાનું આરટીઓના આંકડા દર્શાવે છે. પસંદગીના નંબર મેળવવા માટે રાજકોટના રંગીલા લોકો ઊંચી બોલી બોલતા હોય તેવા દાખલામાં વધુ એક દાખલાનો ઉમેરો થયો છે. પસંદગીના નંબર મેળવવા માટે ફકત ટોપ-20ના બીડર્સોએ રૂ. 81.57 લાખની બોલી લગાવી છે.
લાખોની રકમની કાર હોય કે ઓછી રકમનું બાઈક હોય તેમાં મનગમતા નંબર લેવા માટે વાહનચાલકો લાખો રૂપિયાની બોલી લગાવતા રંગીલા રાજકોટીયન્સ અચકાતા નથી. તાજેતરમાં જ રાજકોટ આરટીઓ દ્વારા ફોર વ્હીલ માટેની નવી સિરીઝ જીજે03એનબી બહાર પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અરજદારોએ ભાગ લીધો હતો. જેમાંથી એક કારમાલિકે પોતાની નવી કાર માટે 0999 નંબર લેવા માટે ઓનલાઈન ઓક્શનમાં 16.90 લાખની બોલી લગાવી હતી. આ ઉપરાંત અન્ય એક કારચાલકે 0009 એટલે કે નવડી નંબર લેવા માટે 14.20 લાખની બોલી લગાવી હતી.
જે વાહન માલિકોએ પસંદગીના નંબર લેવા માટે લાખો રૂપિયાની બોલી લગાવી છે તેઓએ નિયમ મુજબ પાંચ દિવસમાં રકમ ભરી દેવાની રહે છે. જો વાહનમાલિક બોલી લગાવેલી રકમ આ દિવસો દરમિયાન નથી ભરતા તો તેમની ડિપોઝિટની રકમ આરટીઓ દ્વારા જપ્ત કરવામાં આવે છે અને તે નંબર અન્ય અરજદારને ફાળવવામાં આવે છે.રાજકોટ આરટીઓને કાર સિરીઝમાં માત્ર એક જ નંબરની રૂ.16.90 લાખની આવક થઇ છે.
આરટીઓમાં કાર માટેની નવી સિરીઝ જીજે03એનબીમાં કુલ 849 અરજદારોની પસંદગીના નંબર મેળવવા માટેની અરજી માન્ય રહી હતી અને ગોલ્ડન, સિલ્વર અને અન્ય જુદા જુદા નંબરો માટે થયેલા ઓનલાઈન ઓક્શનમાં રાજકોટ આરટીઓને એક જ સિરીઝની કુલ 1.71 કરોડની જંગી આવક થનારી છે.
આરટીઓ દ્વારા તાજેતરમાં જ જાહેર થયેલી કાર માટેના નંબર સિરીઝમાં 849 અરજદારોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી જેમાં સૌથી વધુ 0999 નંબર લેવા માટે એક અરજદારે 16.90 લાખની બોલી લગાવી હતી. 0999 નંબર સિવાયના ગોલ્ડન નંબરો માટે પણ લાખોની બોલી લાગી હતી અને આ સિરીઝમાં આરટીઓને કુલ 1,71,51,000ની આવક થનારી છે.
ટોપ-20 નંબર માટે કરાયેલા બિડિંગ પૈકી રૂ. 12.80 લાખનું ચુકવણું કરી દેવાયું
ટોપ-20ના પસંદગીના નંબર માટે જે બિડિંગ કરવામાં આવ્યું હતું તે પૈકી 111 માટે રૂ. 3.62 લાખ, 99 નંબર માટે રૂ. 2.33 લાખ, સિંગલ 4 માટે રૂ. 2 લાખ, 303 માટે રૂ. 1.46 લાખ, 8888 માટે રૂ. 1.32 લાખ, 5050 માટે રૂ. 1.06 લાખ અને 3333 માટે રૂ. 1.01 લાખ મળી કુલ રૂ. 12.80 લાખનું ચુકવણું બે દિવસ દરમિયાન કરી દેવામાં આવ્યું છે. બાકી રહેલા નંબર માટે હજુ 3 દિવસની મુદ્દત બાકી છે.
બિડિંગની રકમનું ચુકવણું નહીં થયે ડિપોઝિટ જપ્ત કરી ફરીવાર ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે : કે એમ ખપેડ
આ અંગે રાજકોટના આરટીઓ ઇન્સ્પેક્ટર કે એમ ખપેડએ જણાવ્યું હતું કે, ફોર વ્હીલ વાહન માટે એનબી સિરીઝનું રજીસ્ટ્રેશન તારીખ 09 થી 16 મે સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું. તા. 16 થી 18 મે સુધી બિડિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ટોપ 20 ગોલ્ડ અને સિલ્વર નંબર માટે રૂ. 81.57 લાખ સહીત કુલ 1 કરોડ 71 લાખ 51 હજારનું બિડિંગ કરવામાં આવ્યું છે. ટોપ -20 નંબર માટે કરાયેલા બિડિંગ પૈકી રૂ. 12.80 લાખનું ચુકવણું પણ બીડર્સ દ્વારા કરી દેવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો ઓનલાઇન બિડિંગ કર્યા બાદ દિન 5માં રકમ નહીં ભરે તો તેમની ડિપોઝીટ પેટે ભરવામાં આવેલી રકમ જપ્ત કરી ફરીથી તે નંબર માટે ઓક્શન કરવામાં આવશે.