ગ્રીન સ્પેસ ઉભી કરવા બિલ્ડીંગ, સરકારી કચેરીઓ સહિત અલગ-અલગ જગ્યાએ વર્ટીકલ ગાર્ડન બનાવાશે
અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં ગ્રીનરીનું પ્રમાણ ખુબ જ ઓછુ છે આવામાં રાજકોટને ગ્રીન સીટી બનાવવા માટેના મુદા પર પણ બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે અને વર્ટીકલ ગાર્ડન બનાવવાના સપનાનું વાવેતર કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે બજેટ રજુ કર્યા બાદ જણાવ્યું હતું કે, શહેરની સુંદરતામાં વધારો થાય, શહેરમાં ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં મહતમ પ્રદુષણ થાય છે તેવા સ્થળોએ, સર્કલ બ્રિજના ભાગોએ, મહાપાલિકાની જુદી-જુદી કચેરી, બિલ્ડીંગ, વારીગૃહો, વિસ્તારો કે જયાં વૃક્ષારોપણ શકય નથી તેવા વિસ્તારોમાં ગ્રીન સ્પેસ ઉભી કરવા સાથો સાથ જગ્યા પર્યાવરણમય બને તે માટે વર્ટીકલ ગાર્ડનનું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે.
શહેરીજનો પોતાના કાર્ય સ્થળ નિવાસ સ્થાનના ભાગોએ હરીયાળી કરવા પ્રેરાય તેવા હેતુથી શહેરની અલગ-અલગ જગ્યાઓને અનુરૂપ વર્ટીકલ ગાર્ડન બનાવવામાં આવશે. આ ઉપરાંત ફ્રેન્ડલી રસ્તા બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય ઘ્યેય નાગરિકોની ભાગીદારી અને સુચન મુજબ શહેરી રસ્તાઓ અને જાહેર સ્થળો માટે એક વિઝન તૈયાર કરવાનું છે. આ માટે એક ડિઝાઈન ચેલેન્જની શરૂઆત કરવામાં આવશે.
આ ચેલેન્જ અંતર્ગત શહેરના વ્યવસાયિક વિસ્તારોમાં વોકિંગને પ્રોત્સાહન મળી રહે તે માટે યોગ્ય સુવિધાઓથી સજજ રસ્તાઓ બનાવવા તેમજ આવાસ યોજનાઓ કે તેની આસપાસ આવેલી ખુલ્લી જગ્યાઓમાં નાગરિકો માટે મનોરંજક પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે માટે નાગરિકો પાસેથી વિચારો તેમજ અમલમાં મુકી શકાય તેવી ડિઝાઈન મંગાવવામાં આવે છે. નાગરીક પાસેથી મળેલા પ્રતિભાવ મુજબ પાયલોટ પ્રોજેકટનું અમલીકરણ કરી તેનો અભ્યાસ કરવામાં આવશે. આ થકી એક મોડેલ તૈયાર કરવામાં આવશે જેનો ઉપયોગ આવનારા વર્ષોમાં સમગ્ર શહેરના વ્યવસાયિક વિસ્તારો તેમજ સરકારી આવાસ યોજનાના અમલ માટે કરવામાં આવશે.