સાઈબર ક્રાઈમના વધતા જતા બનાવોના કારણે શહેરમાં સાઈબર પોલીસ સ્ટેશનની સ્થાપના અનિવાર્ય: રાજય સરકાર દ્વારા સાયબર મોનિટરીંગ લેબ બનાવવા અપાતી મંજૂરી
શહેરમાં આધુનિકતાની સાથે સાથે આધુનિકતાના કેટલાક દુષણો પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યા છે મોબાઈલ તેમજ પર્સનલ કમ્પ્યુટરમાં ઈન્ટરનેટના માધ્યમથી એક તરફ સુવિધા વધી છે તો બીજી તરફ આ સુવિધાનો દુરઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે. ફેસબુક, વ્હોટ્સ એપ , ટ્વીટર અને ઈન્સ્ટ્રાગ્રામ જેવી સોશ્યિલ સાઈટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે પરંતુ આવી જ સાઈટ ઉપર છેતરપીંડી કે છેડતીનું દુષણ પણ વધ્યું છે. બેંક એકાઉન્ટ હેક થવા , પિન ચોરાઈ જવા સહિતની ઓનલાઈન છેતરપીંડીના ગુના વધતા જાય છે. એક રીતે રંગીલા રાજકોટ પર સાઈબર ક્રાઈમ સકંજો જમાવી રહી છે. રાજકોટ પોલીસ આ દુષણ સામે લડવા કેટલી સજ્જ છે તે જાણવા માટે અબતકની ટીમ દ્વારા પ્રયાસ કરાયા હતા જેમાં જાણવા મળ્યું હતું કે , દર બે થી ત્રણ દિવસે શહેરમાં સાયબર ક્રાઈમની એક ફરીયાદ નોંધાઈ છે.
આ મામલે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અબતકને જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાનો ઘણો દુર ઉપયોગ પણ થાય છે. વોટસએપ પર ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ કરવા ફેસબુક પર ફેક આઈડી બનાવી છેતરપીંડી કરવી, ઈન્ટરનેટ બેકિંગમાં છેતરપીંડી અને ટવીટર એકાઉન્ટ હેક કરવા જેવા અનેક ગુનાઓ પોલીસ માટે પડકાર‚પ છે. આવા ગુના માટે પોલીસ દ્વારા શહેરમાં સાઈબર સેલની રચના કરવામાં આવી છે. જેમાં એક પોલીસ ઈન્સ્પેકટર અને ત્રણ પીએસઆઈની ટીમ છે. અત્યારે સાઈબર ક્રાઈમના ગુનાઓની જે-તે વિસતારનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની રહે છે. ત્યારબાદ ગુનાની તપાસ સાઈબર સેલને સોંપવામાં આવે છે. સરેરાશ બે-ત્રણ દિવસમાં એક ફરિયાદ શહેરમાં આવતી હોય છે. આ ગુનાઓની તપાસ માટે ટેકનીકલ એક્ષપર્ટોની જ‚ર પડે છે. જેથી રાજય સરકાર દ્વારા સાઈબર લેબ બનાવવા માટેની સુચના આપવામાં આવી છે. આ સાઈબર લેબ બનાવવાની કામગીરી શ‚ થઈ ગઈ છે. અમે રાજય સરકારે સાઈબર સેલ માટે એક પોલીસ સ્ટેશન બનાવી આપવાની માંગ કરી છે. વધુમાં લોકોને સંદેશ આપતા જણાવ્યું હતુંકે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રીકવેસ્ટ એસેપ્ટ કરવી ન જોઈએ. ફોન પર કોઈને પણ બેંક એકાઉન્ટના પાસવર્ડ, પીન નંબર આપવા નહીં.
સાઈબર સેલનાં ઈન્સ્પેકટર એન.એન.ઝાલાએ જણાવ્યું હતું કે જયારથી ઈન્ટરનેટનો યુગ આવ્યો છે. ત્યારથી લોકો ઈન્ટરનેટસેવી થયા છે. જેના કારણે ઈ-કોમર્સનો પણ વિકાસ થઈ રહ્યો છે. સાઈબર ક્રાઈમને સોશિયલ મીડિયામાં થતા ગુના અને નાણાકીય છેતરપીંડીના ગુના આમ બે વિભાગમાં વહેંચી શકાય છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને લોકો ફેસબુક, વોટસએપ, ટવીટર, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમોનો ઉપયોગ કરે છે. લોકો આ એપ્સથી પુરેપુરા વાકેફ હોતા નથી. સીકયુરીટી અને પ્રાઈવસીના ઓપ્સન્સથી લોકો અજાણ હોય છે. જેના કારણે ગુના બનતા હોય છે. સોશિયલ મીડિયાના ગુનામાં મોટાભાગે કોઈને હેરાન કરવાના ગુના બનતા હોય છે.
નાણાકિય છેતરપીંડીની વાત કરવામાં આવે તો ગુનેગારો દ્વારા ફોન પર ચતુરાઈથી બેંકની માહિતી માંગવામાં આવે છે. જેમાં ઘણા લોકો આ ચતુરાઈનો ભોગ બનતા હોય છે. વન ટાઈમ પાસવર્ડની પઘ્ધતિને બદલે સીકયુરીટીને ડબલ કરવામાં આવે, વધુ મજબુત કરવામાં આવે તો નાણાકિય છેતરપીંડી અટકી શકે છે. વધુમાં તમામ નેટવર્ક યુઝર્સને સંબોધતા જણાવ્યું હતું કે નેટવર્કનો ઉપયોગ કરવો જ જોઈએ. કારણકે ત્યાંથી પુષ્કર પ્રમાણમાં જ્ઞાનનો વિકાસ થાય છે. કોઈપણ વિષય વસ્તુની આંગળીના ટેરવે માહિતી મળી રહે છે. નેટવર્કની શોધ જ્ઞાનના વિકાસ માટે થયેલી હતી પરંતુ આપણે ખોટી દિશામાં વળ્યા છીએ. ગેમ, ચેટીંગ આ બધુનો ઉપયોગ મર્યાદામાં કરવો જોઈએ. ઘણી વખત ભારતનો જ વ્યકિત વિદેશી હોવાનું ઢોંગ કરે છે અને તે ત્યાંથી ગીફટ કે પાર્સલ મોકલાવ્યું હોવાનું જણાવીને ટેકસ મની માંગતો હોય છે અને આમ સોશિયલ મીડિયાનો ગુનો નાણાકિય છેતરપીંડીના ગુનામાં પરિવર્તીત થાય છે. વેબ પર સારી અને ખરાબ બધી માહિતીઓ હોય છે કઈ માહિતી મેળવવી એ આપણા પર આધાર રાખે છે. આ અંગે જેટલી વધુ જાગૃતિ હશે તેટલો ઓછો લોકો ભોગ બનશે. કમિશનરના નેજા હેઠળ શહેર પોલીસનું સાઈબર સેલ સંપૂર્ણપણે સક્ષમ છે. જો કોઈ સાઈબર ક્રાઈમનો ભોગ બને તો ૧૨ કલાકની અંદર સંપર્ક કરવો.