મનપા દ્વારા યોજાયેલા સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમને માણતા રાજકોટવાસીઓ
પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિરાણી હાઇસ્કુલ ખાતે જુના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમને મુખ્યમંત્રીએ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૨૬મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક પર્વ માત્ર સરકારી પર્વ ન બનતાં, પ્રજાનો પર્વ બની રહેવો જોઇએ. આ પર્વની ઉજવણી માટે પૂરેપૂરૂ રાજકોટ રોશનીના શણગારથી ઝગમગી ઉઠ્યું છે. રાજકોટમાં અશ્વ શો, એર શો, ફલાવર શો, યુવા સંમેલન, શસ્ત્ર પ્રદર્શન, મશાલ પીટી જેવા કાર્યક્રમો થઇ રહ્યાં છે. રાજ્ય સરકાર માટે પ્રજા સર્વોપરી છે અને આ પ્રજાસત્તાક દિન દેશભક્તિના રંગે રંગાઇ આપણે સૌએ ઉજવણી કરીએ.
સંવિધાન ચેતના યાત્રાના ૭૧ સાઇકલ સવારોનું તથા તેમના ટીમ લીડર ભરતસિંહ પરમારનું પ્રશસ્તિપત્રક આપી મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આભાર દર્શન ડેપ્યુટી મેયર અસ્વિનભાઇ મોલીયાએ કર્યું હતું.
આ તકે મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવિ સયાસહિતના અધિકારી, પદાધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.