બેઠક દીઠ 14-14 ટેબલ, એક ટેબલ ઉપર 3-3 મળી 236નો સ્ટાફ ફરજ બજાવશે : 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
મતગણતરી માટેના સ્ટાફનું આવતિકાલે રેન્ડમાઇઝેશન થવાનું છે. મતગણતરીમાં બેઠક દીઠ 14-14 ટેબલ હશે. 3-3 મળી 236નો સ્ટાફ ફરજ બજાવશે. 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે.
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોની કણકોટ ખાતે મતગણતરી આગામી 8મીએ હાથ ધરવામાં આવનાર છે. જેમાં દરેક બેઠકના 14-14 ટેબલ ઉપર કુલ 236 જેટલા સ્ટાફ દ્વારા મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઈને પૂરી સજાગતા અને સુદ્રઢ આયોજન સાથે કામગીરી કરી રહ્યું છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ મત ગણતરીની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ચૂંટણી તંત્રમાંથી મળતી માહિતી અનુસાર આગામી 8મીએ જિલ્લાની આઠેય બેઠકો માટે જે મતગણતરી થવાની છે. તેમાં કુલ 112 ટેબલ ઉપર મતગણતરી કરવામાં આવશે. આ માટે દરેક વિધાનસભામાંથી 50-50 કર્મચારીઓના નામ મંગાવવામાં આવ્યા હતા. મતગણતરીની પ્રક્રિયામાં કુલ 236 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં દરેક ટેબલ ઉપર એક કાઉન્ટીંગ સુપરવાઈઝર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને એક માઈક્રો ઓબ્ઝર્વરની નિયુક્તી કરવામાં આવશે. હાલ આ કર્મચારીઓને તાલીમ આપી દેવામાં આવી છે. હવે આવતીકાલે આ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવનાર છે. જેમાં 20 ટકા સ્ટાફ રિઝર્વ રાખવામાં આવશે.