આજીની સપાટી ૧૭.૪૦ ફૂટે પહોંચી: ભાદર ડેમમાં એક ટીપુ પણ પાણીની આવક નહીં
છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શનિવારે રાજાશાહી વખતનું લાલપરી તળાવ ઓવરફલો થયા બાદ આજે બપોરે રાંદરડા તળાવ પણ છલકાઈ ગયું હતું. દરમિયાન ન્યારી ડેમમાં પણ વધુ અર્ધા ફૂટ નવા નીરની આવક થતાં ડેમની સપાટી ૧૦ ફૂટને લગોલગ પહોંચી જવા પામી છે તો આજી ડેમ ૧૭.૪૦ ફૂટે હિલોળા લઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છતાં ભાદર ડેમમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધી નવું એક ટીપુ પાણી આવ્યું નથી.
મહાપાલિકાના સૂત્રોના પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત શનિવારે બપોરે લાલપરી તળાવ ઓવરફલો થયા બાદ આજે બપોરે ૧૪ ફૂટની ઉંડાઈ ધરાવતું રાંદરડા તળાવ પણ ઓવરફલો થઈ ગયો હતો. જો કે, ૧૯૮૭ બાદ એટલે કે, છેલ્લા ૩૦ વર્ષથી રાંદરડા તળાવમાંથી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા માટે એક ટીપુ પણ પાણી ઉપાડવામાં આવતું નથી. રાંદરડા અને લાલપરી તળાવનું પાણી પ્રદ્યુમન પાર્ક માટે અનામત રાખવામાં આવે છે.સિંચાઈ વિભાગ અને મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ન્યારી ડેમમાં આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન અર્ધો ફૂટ નવા નીરની આવક થવા પામી છે. ઉંચાઈ વધ્યા બાદ કુલ ૨૫ ફૂટની ઉંડાઈ ધરાવતા અને ૧૨૦૦ એમસીએફટીની જળ સંગ્રહ શક્તિ ધરાવતા ન્યારી ડેમ હાલ ૯.૬૭ ફૂટ ભરેલો છે અને ૨૪૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. હાલની ગણતરી કરવામાં આવે તો ન્યારી ડેમમાં રાજકોટને ૩ માસ ચાલે તેટલું પાણી સંગ્રહિત થઈ ગયું છે. વરસાદના કારણે આજીમાં પણ નવા નીરની આવક થવા પામી છે. જો કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવું પાણી આવ્યું નથી. પરંતુ ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતા આજી ડેમની સપાટી હાલ ૧૭.૪૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૩૨૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અાજી ડેમને ૧૪.૫૦ ફૂટ નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યો હતો. વરસાદનું ૩ ફૂટ પાણી આવ્યું હોવાનું નોંધાયું છે. રાજકોટની જળ જ‚રીયાત સંતોષતા અન્ય એક જળાશયની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયા સમા ભાદર-૧ ડેમમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં એક ટીપુ પણ નવું પાણી આવ્યું નથી. ભાદર ડેમ ભરચોસામે આજ સુધી હજુ ડેડ વોટરની સપાટીમાંથી બહાર નીકળી શકયો નથી.