તલાટી મંત્રીની પત્નીએ પાચ દિવસ પહેલા એસિડ ગટગટાવતા સારવારમાં મોત: પરિવારમાં કલ્પાંત
રાણાવાવમાં નવોઢાએ સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પાચ દિવસ પહેલા નવપરિણીતાએ એસિડ પી લેતા સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. માવતર પક્ષે, તલાટી મંત્રી પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવમાં ગોપાલપરા વિસ્તારમાં રહેતી અને સાત માસ પહેલા જ લગ્ન કરીને આવેલી ખુશ્બૂબેન મુકેશભાઈ ચૌહાણ નામની ૨૩ વર્ષીય નવોઢાએ ગત તા.૨૮મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે ૬ વાગ્યે એસિડ ગટગટાવી લેતાં તેણીને ગંભીર હાલતમાં પોરબંદર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ અંગે ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ભાણવડ માવતર ધરાવતી ખુશ્બુબેનના લગ્ન સાત માસ પહેલા જ રાણાવાવમાં રહેતા તલાટીમંત્રી મુકેશભાઈ સાથે થયા હતા. જેમાં સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળી પરિણીતાએ પતિને અલગ થઈ જવાનું કહ્યું હતું. જેના કારણે દંપતી વચ્ચે થયેલી માથાકૂટ બાદ નવોઢાએ પગલું ભર્યાનું સામે આવ્યું છે.
તો સામા પક્ષે ખુશ્બુબેનના માવતર પક્ષનાએ તલાટીમંત્રી પતી મુકેશ ચૌહાણ અને તેના પિતા સહિતનાઓ સામે આક્ષેપ કર્યા હતા. જેમાં જણાવ્યા મુજબ મૃતકના સસરા જુગાર રમી દેણું વધારતા હોવાથી અને ઘરમાં થતી સાસુ સાથેની માથાકૂટમાં કારણે ખુશ્બુબેને આપઘાત કર્યાનો આક્ષેપ કર્યા હતા અને પતિ સહિત સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી છે.