કોટડા પાસે બાઇક સાથે કાર ભટકાડી માથામાં પાઇપ મારી ઢીમ ઢાળી દીધાની કબુલાત
રાણાવાવના યુવાનનું છ માસ પહેલા ભાણેજ સાથે પ્રેમલગ્ન કરતા યુવતિના પિતાએ પોતાના સંબંધી સાથે મળી કોટડા નજીક હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. પોલીસે નાકાબંધી કરી હત્યા કરી ફરાર થયેલા બન્ને શખ્સોને જામજોધપુર પાસેથી ઝડપી લીધા છે. બન્ને શખ્સોની પુછપરછ દરમિયાન મામા-ભાણેજે પ્રેમ લગ્ન કર્યા હોવાથી સમાજમાં થયેલી બદનામીના કારણે સાળામાંથી જમાઇન બનેલા યુવકના બાઇક સાથે કાર ભટકાડી માથામાં પાઇપ મારી હત્યા કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવના સ્ટેશન પ્લોટમાં રહેતા અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં અલ્પેશ દેવાભાઇ સોંદરવા નામના ર૬ વર્ષીય યુવાનનાં બાઇક સાથે કાર ભટકાડી કોટડા પાસે હત્યા કરી બે શખ્સો ભાગી ગયાની પોલીસ ને જાણ થતાં પીએસઆઇ પંડયા સહીતના સ્ટાફે નાકાબધી કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા પોરબંદરના વિરમ મેપા પાંડાવદરા અને મનસુખ મુટુ શીંગરખીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા.
બન્ને શખ્સોની પુછપરછ દરમિયાન વિરમ મેપા પાંડાવદરા અને મૃતક અલ્પેશ દેવા સોંદરવા કુટુંબીક સાળા બનેવી થતા હોવા છતાં અલ્પેશ સોદરવાએ વિરમ પાંડાવદરાની પુત્રીને ભગાડી છ માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાથી મામા-ભાણેજે કરેલા પ્રેમલગ્નના કારણે સામાજીક રીતે શરમજનક સ્થિતિ સર્જાતા અલ્પેશ સોંદરવાની હત્યાનો પ્લાન બનાવી પોતાના સંબંધી મનસુખ શીંગરખીયા સાથે મળી ગઇ કાલે જીજે ૦૩ કેઅલ ૫૭૧૫ નંબરના બાઇક પર જઇ રહેલા અલ્પેશ સાથે કોટડા નજીક જીજે ૧પ પીપી ૮૨૧૯ નંબરની કાર ભટકાડી હતી. કાર ભટકાતા બાઇક પરથી અલ્પેશ ફંગોળાયો હતો. ત્યારે કારમાં પોતાના સસરા વિરમ પાંડાવદરાને જોઇ જતાં પોતાની હત્યા કરશે તેવું સમજીને ગંભીર રીતે ઘવાયેલો હોવા છતાં અલ્પેશ પોતાનો જીવ બચાવી ભાગ્યો હતો.
અલ્પેશ સોંદરવાનો પીછો કરી વિરમ પાંડાવદરા અને મનસુખ શીંગરખીયાળે માથામાં પાઇપના ઘા મારી બન્ને શખ્સો ભાગી છુટયા હતા અલ્પેશ સોંદરવા પર હુમલો કર્યા ત્યારે ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. કોઇએ બચાવવાનો પ્રયાસ કર્યા ન હતો ત્યારે અમદાવાદ કાર ચાલકે પોલીસને જાણ કરતા પોલીસે નાકાબંધી કરી હતી જેમાં જામજોધપુર પોલીસ મથકના પ્રો. પી.એસ.આઇ. કિશોરસિંહ વી.ઝાલા સહીતના સ્ટાફે બે શખ્સોને ઝડપી લઇ રાણાવાવ પોલીસ મથક સ્ટાફના હવાલે કરાતા પીએસઆઇ પંડયાએ તપાસ હાથ ધરી છે.