૨૦૦૭ની બેચના આઈએએસ અધિકારી રેમ્યા મોહનનું સૌરાષ્ટ્રમાં પ્રમ પોસ્ટીંગ: મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં શિસ્તના આગ્રહી મહિલા ક્લેક્ટર વહીવટી તંત્રની કામગીરીને આપશે નવો વેગ
રાજકોટ જિલ્લાના ૪૯માં કલેકટર તરીકે રેમ્યા મોહને ગઈકાલે ચાર્જ સંભાળ્યો છે. રેમ્યા મોહન મુળ કેરળના ૨૦૦૭ની બેચના આઈએએસ અધિકારી છે. શિસ્તના આગ્રહી એવા આ મહિલા અધિકારી વહીવટી તંત્રની કામગીરીને નવો વેગ આપશે. તેઓએ અગાઉ કચ્છ જિલ્લા કલેકટર તરીકે સુપેરે જવાબદારી સંભાળી છે.
તાજેતરમાં સરકાર દ્વારા જિલ્લાના અનેક આઈએએસ અધિકારીનો બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની ઔદ્યોગીક કમિશનર તરીકે ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ રાજકોટ જિલ્લા કલેકટર તરીકે કચ્છ જિલ્લાના કલેકટર રેમ્યા મોહનને મુકવામાં આવ્યા છે. ગઈકાલે રેમ્યા મોહને બપોરના સમયે રાજકોટ આવી પહોંચી જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળ્યો છે.
રેમ્યા મોહને રાજકોટ જિલ્લાના ૪૯માં કલેકટર તરીકે જવાબદારી સંભાળી છે. તેઓ મુળ કેરળના ૨૦૦૭ની બેચના આઈએએસ અધિકારી છે. કચ્છમાં તેઓએ પોતાની જવાબદારીઓનું વહન ખૂબ સરાહનીય રીતે કર્યું હતું. શિસ્તના આગ્રહી તેમજ પ્રજાના કામ ઝડપભેર પૂર્ણ કરતા રેમ્યા મોહન મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પણ વહીવટી તંત્રની કામગીરીને નવો વેગ આપવા માટે સક્ષમ છે.
કચ્છ જિલ્લા કલેકટર પૂર્વે તેઓ વલસાડ કલેકટર અને સુરત ડીડીઓ તરીકે ચાર્જ સંભાળી ચુકયા છે. આજે વિધિવત રીતે તેઓએ રાજકોટ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે. બીજીબાજુ ડો.રાહુલ ગુપ્તા પણ એક કે બે દિવસમાં ઔદ્યોગીક કમીશનર તરીકે ગાંધીનગરમાં ચાર્જ સંભાળી લેવાના હોવાનું જાણવા મળ્યું છે.
ચાર્જ સંભાળતી વેળાએ કલેકટર રેમ્યા મોહનનું ‘અબતક’ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ આ વેળાએ જણાવ્યું કે, જિલ્લાની વહિવટી પ્રક્રિયા ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે. સરકારી યોજનાઓ ગ્રામ્ય લોકો સુધી બરાબર રીતે પહોંચે તે માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત અરજદારોને સરળતા પડે તે માટે જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવશે. વહિવટી તંત્રની સમગ્ર પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કલેકટર રેમ્યા મોહને કચ્છમાં પોતાની પારદર્શક અને ઝડપી કામગીરીથી ખુબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી ત્યારે હવે મુખ્યમંત્રીનાં હોમટાઉનમાં તેઓનું પોસ્ટીંગ થયું છે. અહીં પણ તેઓ પોતાની આગવી સુઝબુઝથી વહિવટી તંત્રની કામગીરીને નવો વેગ આપવાના છે. તેઓનું ગઈકાલે ડો.રાહુલ ગુપ્તા અને અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ સ્વાગત કર્યું હતું બાદમાં ડો.રાહુલ ગુપ્તાએ તેમને જિલ્લા કલેકટરનો ચાર્જ સોંપ્યો હતો.