આપણો દેશ ભાગલા પહેલા હિન્દુસ્તાન હતો.

એક સમયે ભરતખંડ હતો. એ પહેલા આર્યવર્ત હતો.

એણે સુવર્ણયુગ સજર્યો હતો અને સારી રીતે રાજ કર્યું હતું.

વિવિધ યુગ એણે નિહાળ્યા છે.

સમ્રાટ અશોકના રાજ વખતે આ ભૂમિ પર સુવર્ણયુગ હતો.

એ વખતના તમામ રાજયો એની આણ હેઠળ હતો. એ રાજાઓનો રાજા બન્યો હતો એ ચક્રવર્તી રાજા હતો. રામાવતાર વખતે દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા. શ્રી રામ દશરથનંદન કહેવાયા હતા. તેમણે રાજસૂય યજ્ઞ યોજયો હતો. સમગ્ર ખંડમાં પોતાનું રાજ પ્રવર્તતું હોય તે ચક્રવર્તી રાજા કહેવાતા હતા.

એ યુગ કાળના ગર્ભમાં વિલીન થઈ ગયો છે, છતાં એ અમર રહ્યો છે. શ્રી રામનું રાજ ચક્રવર્તી રાજ હતુ. અયોધ્યા એમની રાજધાની હતી. એ સમયે એવું કહેવાતું હતુ કે, જયાં યુધ્ધ નહિ તે અયોધ્યા ! રામસીતાના સુપુત્રો તે દેશકાળમાં કણ્વઋષિને ત્યાં વિદ્યા પામ્યા હતા. શ્રી રામે યોજેલા રાજસૂય યજ્ઞ વખતે રાજસૂય યજ્ઞના ચક્રવર્તી અશ્ર્વને થંભાવી દીધો હતો. એમ ઈતિહાસ કહે છે.

આજનું ભાજપરાજ ચક્રવર્તી રાજની છાપ ઉપસાવે છે. એના સુકાનીઓ આરએસએસ, ભાજપ, નરેન્દ્ર મોદી, અમિત શાહ ભાજપને ‘ચક્રવર્તી’ બનાવવાના લક્ષ્યને ‘આંબુ-આંબુ’ જોવી સ્થિતિમાં હોવાની સ્થિતિમાં લાવી શકયા છે.

વડાપ્રધાન શ્રી મોદી આપણા દેશના પ્રજારાજમાં સત્તાની રૂએ સર્વેસર્વા સમા છે. તાજેતરનાં અતીતને તાજો કરીએ તો આઝાદ થવાની ઘટનાના સાક્ષીઓની સંખ્યા કરતા આઝાદી બાદ જન્મેલા નાગરીકોની સંખ્યા વધારે છે. આઝાદી પહેલાના ભારતમાં રહેલા કોઈ વયસ્ક નાગરીકો એટલા અકળાઈ જાય કે બોલી ઉઠે, આના કરતા તો અંગ્રેજો કે રાજા મહારાજા સારા હતા આવો આક્રોશ સદા સર્વથા અનુચિત છે. સ્વતંત્રતા મેળવ્યા પછી તેને જાળવવાની અને તેના દ્વારા કરોડો દેશબંધુઓનું કલ્યાણ કરવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. કમનસીબે આપણે દેશની જનતામાં સુશાસન દ્વારા સલામતી, સમૃધ્ધિ, શિક્ષણ, સંસ્કાર અને સહયોગની ભાવના વિકસાવવામાં ઉણા ઉતર્યા છીએ.

વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આપણે વિકાસ સાધ્યો છે તે હકિકત છે. આ વિકાસ સંતુલીત અને સર્વગ્રાહી નથી. પ્રગતિની ગતિ પણ ક્ષમતા અને અપેક્ષા કરતા ધક્ષમી રહી છે. મોંઘવારી,ભ્રષ્ટાચાર, સગાવાદ, જ્ઞાતિવાદ, ધર્માધતા, ભાષાવાદ અને સંવેદનાના અભાવના કારણે સ્વતંત્રતાની પ્રાપ્તી સાથે જોયેલા સ્વપ્નો આજે દુ:સ્વપ્નમાં ફેરવાઈ ગયા છે. વસ્તી વધારો, શ્રમની ઉપેક્ષા, અંધાધૂંધ શહેરીકરણ, શિક્ષણ આરોગ્યનું વ્યાપારીકરણ, આયાતો પર આધારીત અર્થતંત્ર, સરકારનો બેફામ નાણાકીય વ્યય અને બિનકાર્યક્ષમતાને કારણે આપણે જે ધારણાઓ આઝાદીનાં ઉષાકાળે જોઈ હતી તે આજે બેબુનિયાદ સાબિત થઈ હોય તેવો માહોલ છે.

હજુ અત્યારે આપણા દેશની હાલત કસોટીકારક રહી છે.

ભાજપ અને તેની સરકાર ઘણે અંશે સર્વેસર્વા જેવા બની શકયા છે. તેઓ રાજકીય ક્ષેત્રે પોતાને ચક્રવર્તી કહી શકે તેમ છે.

આરએસએસ, ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપણા પ્રાચીન યુગના ઈતિહાસમા નિર્દેશ છે. એ રીતે ‘રાજસૂય’ પ્રકારનો યજ્ઞ કરવાનું સ્વપ્ન સેવી શકે જે તેઓ સેવી રહ્યા હોવાનો ચણભણટ કયાંક કયાંક કાને પડે છે.

પરંતુ કેટલાક સ્વપ્ન મૂર્તિમંત થાય છે, ને કેટલાક મૂર્તિમંત થતા નથી. કઠોર પૂરૂષાર્થ અને ઈરાદાની કે લક્ષ્યની પવિત્રતા તથા નિર્મળતા એમાં અનિવાર્ય બને છે.

રામમંદિરનાં નિર્માણનું સ્વપ્ન પતંગિયાની જેમ અને મધમાખીની જેમ ઉડાઉડ કરે છે. ‘રાજસૂય’ સ્વરૂપના યજ્ઞનો મંડપ રોપી દઈ શકાય.

કોઈએ પણ કરેલો પ્રમાણિક પૂરૂષાર્થ અને કોઈપણ તપસ્વીએ કરેલું તપ ખાલી જતા નથી એ બંને ઈચ્છિત ફળ આપે જ છે.

લોકશાહીમાં કે પ્રજાતંત્રમાં લોકોનો સમૂહ અને પ્રજાનો સંઘ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે.

‘રાજસૂય યજ્ઞ’નું સ્વપ્ન રામમંદિર નિર્માણનાં સ્વપ્નની પતંગિયા સમી ઉડાઉડને પણ બળ આપે, એની પાંખોમાં જોમ અને જુસ્સોપૂરે એવી પ્રાર્થનામાં જૂદી જૂદી જગ્યાએ બિરાજમાન શ્રી ગણેશજીની મહાઆરતીઓમાં નિષ્પન્ન થતી ઉર્જા ભળે એમ કોણ નહિ ઈચ્છે?

અહી એટલું યાદ રાખીએ કે, સર્જનહારે સર્જેલ પ્રત્યેક માનવી, સમગ્ર સમાજ, પ્રજારાજ અને દેશ અન્ય કશા જ લાભાલાભ કરતા ચઢિયાતા અને સર્વોપરિ છે. એને છીછરા, સંકુચિત નિજી સ્વાર્થ અંધતામા ન લપેટીએ નહિતર રાજસૂય યજ્ઞ કે કોઈપણ યજ્ઞમાં બને છે તેમ આ તપ શુભકર્તાને બદલે અભિશાપના દાવાનળમાં ફેરવાઈ જશે !…

ગણપતિ બાપા સૌનું ‘શુભ’ કરે અને શુભ અવસરોમાં આડે આવતા વિઘ્નો દૂર કરે એવી અભિલાષા… બાકીતો જૂની કહેવત સંપૂર્ણ પણે સાચી છે કે, ‘ગર્વ કિયો સો નર હારિયો’ !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.