રામનાથ મંદિરની મુલાકાત લેતા અમિત અરોરા: પ્રોજેકટ મામલે અધિકારીઓ સાથે ચર્ચા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજકોટ આજી નદીના કાંઠે આવેલ રામનાથ પરા મહાદેવ મંદિરને ડેવલપ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, જે હવે રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે. આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મંદિરની સ્થળ મુલાકાત કરી હતી.
મ્યુનિ. કમિશનરશ્રીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને હવે પછી હાથ ધરાવની થતી કામગીરી અંગેના આયોજન વિશે અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અનુસંધાને પણ હાલ ઇન્ટરસેપ્ટર ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલે છે, આ કામગીરી પૂર્ણ થયે રિવરફ્રન્ટ પ્રોજેક્ટની અન્ય કામગીરી હાથ ધરવામાં આવશે જેને ધ્યાનમાં રાખીને રામનાથ મહાદેવ મંદિરને ડેવલપ કરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કુલ 2.07 કરોડના ખર્ચે રામનાથ પરા મહાદેવ મંદિર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલો જેમાં હાલના તબક્કે કુલ 1.04 કરોડની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી છે અને હવે પછીની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવી છે.
વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સિટી એન્જી. એચ.એમ.કોટક, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, ડે. એન્જી. વી.પી.પટેલીયા ઉપસ્થિત રહ્યાં હતા.