બપોરે ૩ કલાકે સંગીતની સુરાવલી અને રાસની રમઝટ સાથે વર્ણાંગીનો આરંભ: ૧૧૦૦ કિલો પેટીસનો પ્રસાદ અપાશે
ભગવાન શ્રી શિવજીના દર્શન પૂજન કરી જીવનમાં પૂણ્યનું ભાથુ બાંધવાના અમુલ્ય અવસરમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.
રાજકોટ શહેરનાં આજી નદીની વચ્ચે આશરે ૭૦૦ વર્ષથી બિરાજતા સ્વયંભુ રમાનાથ મહાદેવ બિરાજે છે. રામનાથ મહાદેવના દર્શનાર્થીઓ ખૂબજ બહોળી સંખ્યામાં આવે છે. હજારો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન પૌરાણીક શ્રી રામનાથ મહાદેવના મંદિરેથી દર વર્ષે શ્રાવણ માસના ત્રીજા સોમવારે વર્ણાંગીનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે શ્રાવણ માસના ત્રીજા સોમવાર એટલેકે તા.૨૭ના રોજ શ્રી રામનાથ મહાદેવના મંદિરેથી ૯૫મી વર્ણાંગી (શોભાયાત્રા) શહેરના વિવિધ માર્ગો પર ફરશે. આ વર્ણાંગીમાં હજારો લોકો જોડાઈ જય રામનાથ હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠે છે.
મંદિરેથી વર્ણાંગી નિકળતા પહેલા સ્વયંભૂ રામનાથ મહાદેવનું ષોડશોપચાર પૂજન થશે પછી જય રામનાથ હર હર મહાદેવના ઘોષ સાથે બપોરે ૩ કલાકે સંગીતની સુરાવલી પ્રારંભ થઈ રાસની રમઝય બોલશે.
વર્ણાંગીમાં દર વર્ષે હજારોની સંખ્યામાં સૌ નાની મોટી ઉંમરના ભાવિકો જોડાય છે.
શહેરની જુદી જુદી રાસ મંડળીઓ સામેલ થઈ રાસ ગરબાની રમઝટ બોલાવે છે તો સોમવારના પવિત્ર દિવસે રામનાથ મહાદેવના મંદિરથી વર્ણાંગી નીકળીને કોઠારીયા નાકા,દરબારગઢ રોડ, સોની બજાર, કંસારા બજાર, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, જયરાજ પ્લોટ, હાથીખાના થઈ પુન: મદિર પરત ફરશે.
જયેશભાઈ રાજપૂત અને વોર્ડ નં.૭નાં કોર્પોરેટર અજયભાઈ પરમાર દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી કોઈપણ જાતના ફંડફાળા વિના પ્રસાદ અપાઈ રહ્યો છે. ત્યારે પરંપરા પ્રણાલીનુસાર સોમવારે પણ ૧૧૦૦ કિલો પેટીસનોપ્રસાદ વિતરણ કરાશે. સૌ શિવભકતોને રામનાથપરા મેઈન રોડ શેરી નં. ૧૧ કોર્નર સ્થળ પર રાત્રીનાં ૧૦.૩૦ કલાકે લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આ ઉપરાંત રામનાથ મંદિરેથી બપોરના ૩.૩૦ કલાકે નીકળનાર વર્ણાંગીમાં જોડાવવા નિમંત્રણ પાઠવવામા આવે છે.