આજી નદીના કાંઠે બિરાજમાન શહેરના સુપ્રસિધ્ધ રામનાથ મહાદેવનું ષોડષોપચાર પૂજન, આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ફરી વર્ણાંગી
શહેરના સુપ્રસિધ્ધ રામનાથ મહાદેવની આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભવ્ય વર્ણાંગી નીકળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા.
આજીના નદીના કાંઠે સ્વયંભુ પ્રગટેલા રામનાથ મહાદેવનો મહિમા અપરંપાર છે. અતિ પ્રાચીન રામનાથ મહાદેવની આજે બપોરબાદ ભવ્ય વર્ણાંગી (ફૂલેકુ) નીકળી હતી. બપોરે રામનાથ મહાદેવનું ષોડષોપચાર પૂજન, આરતી કરાયા બાદ મંદિરેથી વર્ણાંગી નીકળી હતી.
રામનાથ મહાદેવનું આ ફૂલેકુ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યું હતું. શહેરના માર્ગો હર… હર… મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ વર્ણાંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 95 થી વધુ વર્ષથી રામનાથ મહાદેવની વાજતે-ગાજતે વર્ણાંગી નીકળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ દર્શન, પ્રસાદનો લ્હાવો લીધો હતો.
સ્વયંભૂ રામનાથ મહાદેવની વર્ણાંગી પ્રસંગે આજે મહાપ્રસાદ
શહેરના સુપ્રસિધ્ધ સ્વયંભૂ રામનાથ મહાદેવની વર્ણાંગી (ફુલેકુ) શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભવ્યાતિભવ્ય રીતે નીકળે છે. આ વર્ણાંગીમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાઇ છે. ત્યારે આ વર્ષે આજે શ્રાવણના ત્રીજા સોમવારે ભવ્ય વર્ણાંગી નીકળવાની હોય જે પ્રસંગે સર્વે ભાવિક ભક્તજનોને રાત્રે 8:00 કલાકે, 11 રામનાથપરા ખાતે મહાપ્રસાદ લેવા જાહેર અનુરોધ કરાયો છે. છેલ્લા 24 વર્ષથી આ ભગીરથ કાર્ય જયેશભાઇ રાજપૂત અને અજયભાઇ રાજપૂત તરફથી કરવામાં આવે છે.