મહુવાનાં તલગાજરડા ખાતે માનસ ત્રિભુવનનાં ત્રીજા દિવસે શંખનાદ સાથે પૂ.મોરારીબાપુ વ્યાસપીઠે બિરાજયા: ડોકટર સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામીએ પૂ.બાપુની ભાવવંદના કરી: કથા શ્રવણ અર્થે ૬૦ હજાર ભાવિકોની મેદની ઉમટી.
ત્રિભુવનતીર્થ તલગાજરડા ધામ ખાતે કાલે ત્રીજા દિવસે શંખનાદ સાથે પૂજય બાપુનું વ્યાસપીઠ પર આગમન થયું. બાપુના આગમન સાથે જ વાતાવરણમાં એક અલૌકિક શાંતિ છવાઈ ગઈ હતી. વિશાળ સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત હોવા છતાં જાણે પરમ મૌનનું સામ્રાજય ફેલાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. કથા પ્રારંભે અક્ષર પુરુષોતમ સંસ્થાના ડોકટર સ્વામિ વિશેષ ઉપસ્થિત રહ્યા સાથે બ્રહ્મવિહારી સ્વામિએ પણ પૂજય બાપુની ભાવવંદના કરી હતી. સુરતના નટુભાઈ, ભીખભાઈ ખોડભાયાએ પણ સ્વામિનારાયણ સંતો અને પૂજયબાપુની વંદના કરી હતી.
પરમ ભગવદીય ડોકટર સ્વામિએ સૌના જીવનમાં સત્સંગ, ભકિત, સેવા અને ધર્મની ભાવના જાગે અને રાષ્ટ્ર માટે અસ્મિતા પ્રકટે એવા શુભાશિષ આપ્યા. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે, અક્ષરવાસ પ્રમુખસ્વામીની અંતિમ આરતી પૂજયબાપુએ ઉતારી હતી એ વાત અમે કયારેય ભુલવાના નથી. લાખો વ્યકિતઓના મગજમાં હકારાત્મક વિચારો પેદા કરવાનું અત્યંત વંદનીય કાર્ય પૂજયબાપુ નિ:સ્વાર્થભાવ, નિર્માનીપણે, નિરંહકારપણે કરે છે એટલે કથામાં સાક્ષાત ભગવાન રામ બધા કામ પાર પાડે છે.
પૂજય બાપુએ ડોકટર સ્વામિ, બ્રહ્માવિહારી સ્વામી અને અન્ય સહુ સંતોને વંદન કર્યા. પ્રમુખ સ્વામિને બાપુએ કહ્યું કે સદભાવ અને પરસ્પર આદર મહત્વનો છે. આ કથા માટે મારે માટે ત્રિભુવનિય કથા છે. માનસમાં મહાદેવ પાર્વતીજીને કહે છે કે ‘પૂછે હું રઘુપતિ કથા પ્રસંગમાં, સહલ લોક જગપાવની ગંગા’ સહલ લોક એટલે ત્રિલોક, ત્રિભુવન, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેમાં હોય એવી ત્રિભુવનીય આ કથા છે.
આપણે બધા સ્વર્ગમાં જ હતા પણ પૂણ્ય ક્ષીણ થયા એટલે પૃથ્વી લોકમાં આવ્યા. બીજી કોઈ કથા સ્વર્ગમાં હોય કે ન હોય પણ મારો મહાદેવ કહે છે કે રામાયણની ચોપાઈઓ સ્વર્ગમાં પણ ગણાય છે. પૃથ્વી પર તો કથા છે જ અને પાતાળમાં શ્રી હનુમાનજી ગયા છે. રામ-લક્ષ્મણને છોડાવવા ગયા છે એટલે જયાં હનુમાનજી હોય ત્યાં રામકથા હોય જ એ રીતે આ ત્રણે લોહની ત્રિભુવનિય કથા છે.
આપણે સંસારી છીએ આપણને એ પણ થાય એ સ્વાભાવિક છે. દશરથને પણ પુત્રેષણા થઈ. બીજી વિતેષણા છે. પૈસાનો-ધનનો અનાદર ન કરાય ત્રીજી લોકેષણા બધાની સામે સારા થવાથી વૃતિ જે સાધુને છેતરે છે. તૃષ્ણાની વાત કરતા બાપુએ કહ્યું કે આપણને તુષ્ણા બાંધે છે ત્યારે ગમે તેટલો મોટો માણસ તૃષ્ણાને લીધે પતન પામે છે. બ્રાહ્મણોને યાદ કરતા બાપુએ કહ્યું કે, બ્રાહ્મણોનું સૌથી મોટું લક્ષણ એનું સૌદર્ય છે. બ્રાહ્મણની આંખનું તેજ અને સાધુની આંખનો ભેદ એ આ જગતના બે નેત્ર છે. આમાં વર્ણની વાત નથી.
બચપણની માંડવીના પાથરા ચોરનારની સાથે ભોળવાઈને જનાર બાપુએ વાડીના માલિક બ્રાહ્મણ દુલાદાદાને યાદ કરીને કહ્યું કે, આ વ્યકિતગત વાત ત્રિભુવનીય છે. આપણે ત્રણ મુખ્ય આધારે જીવીએ છીએ. એક તો દેહ, જીવવાનો પ્રથમ આધાર દેહ છે એટલે આપણે દેહાશ્રિત છીએ. ધર્મ માટે શાસકારોએ દેહને સૌથી મોટુ સાધન કહ્યું છે. આ દેહ સાધનોનો સમુહ છે. આ સાધનનું મંદિર છે અને મુકિતનો દરવાજો છે. દેહ નાશવંત છે એનું ભાન રહેવું એ જરૂરી છે. આત્મા અંગુઠા જેવડો હોય.
કારણકે હૈયામાં અંગુઠો રહે અને એ પણ બાળકૃષ્ણનો નાનકડો અંગુઠો એટલે ગ્રામ્યભાષામાં જોઈએ તો આપણે દેહાશ્રીત છીએ બીજુ દેવાશ્રીત છીએ આપણા પ્રારબ્ધના આધારે જીવીએ છીએ. આપણું કરેલું જે સંચીન થાય એ પ્રારબ્ધનો આકાર લે અને એ બધાને ભોગવવું પડે, કોઈ એનાથી છુટી ન શકે.
નિયતિ કોઈને ન છોડે અને ત્રીજુ આપણે દેવાધિન છીએ. દેવ એટલે શુદ્ધ તત્વ. દેવ શુક્ષ છે, મુકત નથી. જયાં જયાં શુદ્ધ અંત:કરણ હોય એ દેવ જ છે પણ દેવ મુકત નથી એને મુકત થવા માટે હરિને ભજવો પડે છે. રામનું જીવન મંગલમય છે. એમણે તેર વરસ વનમાં આનંદ જ કર્યો છે.
જયારે કૃષ્ણનું જીવન સંઘર્ષમય છે. કૃષ્ણે પોતે તારનારાનું તો ધ્યાન રાખ્યું જ પણ એને મારનારનું ધ્યાન પણ કૃષ્ણએ રાખ્યું છે. બાપુએ કૃષ્ણની અંતિમ અવસ્થાનું આદ્રતાપૂર્ણ વર્ણન કર્યું. કથાના રૂમમાં બાપુએ કહ્યું કે, કળિકાળનો એકમાત્ર સાર રામનામ છે. રામનામ સર્વશાસ્ત્રનો સાર છે. બાપુએ કથાની પ્રવાહી પરંપરા કયારથી શરૂ થઈ એનું માનસના આધારે રસપૂર્ણ વર્તન કર્યું હતું.
વધુમાં કહ્યું કે, તપસ્વી શાંત હોવો જોઈએ. અતિ દેહદમન એ ક્રુરતા છે. માણસ રામપ્રેમી હોય, તપસ્વી હોય, દેહદમન કરે છતાં કુર ન હોય અને સ્વાર્થી નહીં પણ પરમાર્થી હોય એવા રામપ્રેમી, તપસ્વી, પરમાર્થી ઋષિ યાજ્ઞવક્ષ્કય કુંભ પૂર્ણ થયા પછી ઋષિ ભારદ્વાજના સંશયને દુર કરવા રામકથા સંભળાવે છે. પ્રયાગરાજની કથા પ્રારંભ કરી, પૂજયબાપુએ પોતાની વાણીને વિરામ આપ્યો.