અયોધ્યાના રામલલ્લાને આઠ ફૂટ ઉંચા સંગેમરમર અને ગોલ્ડ પ્લેટેડ સિંહાસન પર બિરાજીત કરવામાં આવનાર છે. આરસનું સિંહાસન રાજસ્થાનમાં કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને તે 15 ડિસેમ્બર સુધીમાં અયોધ્યા પહોંચી જશે. આ સિંહાસન રામ મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તેવું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું હતું.
સોનાથી મઢેલું સિંહાસન 15મી ડિસેમ્બરે અયોધ્યા પહોંચી જશે : રાજસ્થાની કારીગરો કરી રહ્યા છે તૈયાર
તેમણે કહ્યું કે, રામ મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવનાર સિંહાસન આઠ ફૂટ ઊંચું, ત્રણ ફૂટ લાંબુ અને ચાર ફૂટ પહોળું હશે.
મિશ્રાએ કહ્યું કે રામ ભક્તોએ પણ મોટી માત્રામાં સોના-ચાંદીની વસ્તુઓ દાનમાં આપી છે. ટ્રસ્ટની રચના પહેલા અને પછી દાનમાં આપેલી આ સોના-ચાંદીની વસ્તુઓ, સિક્કા અને ઈંટોને ઓગાળવામાં આવશે. દાનમાં મળેલી વસ્તુઓને સુરક્ષિત રાખવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને એક નક્કર બ્લોકમાં પીગળીને સુરક્ષિત રાખવામાં આવશે. આ કામ પ્રતિષ્ઠિત સંસ્થાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.
મિશ્રાએ કહ્યું કે, ભવ્ય અભિષેક સમારોહની તૈયારીઓ વચ્ચે રામ મંદિરના નિર્માણ કાર્યને તેજ કરવામાં આવ્યું છે. જરૂરિયાત મુજબ કામદારોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે, રામ મંદિરનો ભોંયતળિયું 15 ડિસેમ્બર સુધીમાં તમામ સંજોગોમાં તૈયાર થઈ જવું જોઈએ.
પહેલા માળનું કામ 80% પૂર્ણ થઈ ગયું છે. ગર્ભગૃહનું નિર્માણ થઈ ચૂક્યું છે.પરિક્રમા માર્ગનું ફ્લોરિંગનું કામ થઈ ગયું છે. હવે ગૃહ મંડપના ફ્લોર પર માર્બલ નાખવાનું કામ ચાલી રહ્યું છે.