ભોગ બનનાર પીડિતાને ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક પોલીસ રક્ષણ સાથે સારવાર અપાઈ

ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદનાં રામોલમાં થયેલ સામુહિક દુષ્કર્મકાંડ માટે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. ઘટનામાં સંડોવાયેલા કોઈપણ ચમરબંધીને રાજય સરકાર બક્ષવા માંગતી નથી. પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે પ્રથમ દિવસથી જ સારવાર લીધી ત્યારથી પોલીસ રક્ષણ સાથે પુરતી તકેદારી રાખીને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. પીડિતાનું મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાના કારણે તેનું દુ:ખદ અવસાન થયું છે. જે માટે રાજય સરકાર અત્યંત દુ:ખની લાગણી વ્યકત કરે છે. પીડિતાની શારીરિક તથા માનસિક સ્થિતિ નાજુક હોવાનાં કારણે તેણી દ્વારા અધૂરી માહિતી આપવામાં આવેલ હોવાથી ઘટનાની તપાસમાં થોડો વિલંબ થયો છે.

ગૃહ મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઘટનાની સંવેદનાને ધ્યાને લઈને પીડિતાને ઝડપથી સારવાર-ન્યાય મળે તે માટે સંબંધિતોને સુચના આપી હતી અને રાજય સરકારને તાકીદના ધોરણે પગલા લઈને સત્વરે કાર્યવાહી હાથધરી હતી. જેના પરીણામે ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવાઈ છે. મંત્રીએ કહ્યું કે, પીડીતાને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ૧૮૧ અભયમ હેલ્પલાઈનનાં માધ્યમ દ્વારા પણ કાઉન્સીલીંગ કરીને માનસીક રીતે તૈયાર કરીને એફઆઈઆર દાખલ કરવા પોલીસ વિભાગ દ્વારા પ્રેરીત કરી હતી. પોલીસે સામેથી જઈને તેણીને પુરેપુરી મદદ કરીને સારવાર અપાવી હતી.

તેણીના માતા-પિતા દ્વારા એલ.જી.હોસ્પિટલના બદલે અન્ય જગ્યાએ સારવારની માંગ કરાતા તે સમયે પણ પોલીસે સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે શિફટ કરીને જનરલ વોર્ડના બદલે આઈસીયુમાં દાખલ કરીને પુરતી સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમ્યાન પીડીતા ગર્ભવતી હતી. પીડીતાએ ગર્ભ પાડવા માટે વધુ પડતી ગર્ભ નિરોધક દવાઓ લીધી હતી. જેના કારણે પીડીતાના પેટમાં બાળકનું મૃત્યુ થયું હતું. જેના પરીણામે પીડીતાની હાલત વધુ નાજુક બની હતી અને તેણીના શરીરમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ થતા તેનું મોત નિપજયું હતું. પીડીતાને સત્વરે ન્યાય મળે તે માટે રાજય સરકાર દ્વારા સઘન પ્રયાસ હાથ ધરાયા છે.

મંત્રીએ ઉમેર્યું કે, સમગ્ર દુષ્કર્મકાંડની તપાસ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘનાં માર્ગદર્શન અને સતત મોનીટરીંગ હેઠળ ઝોન-૫ના પોલીસ કમિશનર અક્ષય રાજની નિગરાની હેઠળ થઈ રહી છે. તપાસ દરમ્યાન આરોપી અંકિત પારેખ, ચિરાગ વાઘેલા, રાજેશકુમાર ઉર્ફે રાજ સુથાર સહિત ત્રણ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, રામોલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ છે તે સમયે ૧૮૧ અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલાનું કાઉન્સીલીંગ કરીને તેમણી હાજરીમાં પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

ત્યારબાદ ભોગ બનનારનું ડાઈંગ ડેકલેરેશન એકઝયુકીટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં લેવાયું હતું. ત્યારબાદ સારવાર સમયે હેઠળ પીડીતાનું નિવેદન ડો.હરીમિશ્રાની ઉપસ્થિતિમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લેવાયું હતું. તેમજ પીડીતાના અને ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓના ડીએનએના સેમ્પલ લઈને પણ એફએસએલમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત એક આરોપી હાર્દિક જે ભાગેડુ જાહેર કરાયો છે તેના માતા-પિતાના સેમ્પલ લઈને પણ એફ.એસ.એલ.માં પણ મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત મહિલાનું મૃત બાળક હતું જે દાટી દેવાયું હતું તેનું પણ મેજીસ્ટ્રેટની મંજુરી લઈને ડોકટરની હાજરીમાં બહાર કાઢીને ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. પૃથ્થકરણના કારણો આવ્યા બાદ રાજય સરકાર સત્વરે પગલા ભરીને દોષિતોને કડક સજા થાય તે માટે પ્રયાસો કરશે તેમાં કોઈ કચાશ રખાશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, જે ચોથો આરોપી ભાગેડુ જાહેર કરાયો છે તેને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર તપાસ દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલીઝન્સ તથા પોલીસ વિભાગ દ્વારા ખંત પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.