અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરતા વડાપ્રધાન મોદી: ૧૫૦ સાધુ-સંતો સાથે આખુ જગત ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પછી સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે, અહીં મારું આવવું સ્વાભાવિક હતું. કેમકે રામ કાજ કિજે બિના મોહિ કહાં વિશ્રામ. ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયુના કિનારે એક સ્વર્ણિમ અધ્યાય રચાઈ રહ્યો છે. સોમનાથથી કાશી વિશ્વનાથ, બોધગયાથી સારનાથ સુધી, અમૃતસરથી પટના સહિત સુધી, લક્ષદ્વીપથી લેહ સુધી આજે સમગ્ર ભારત રામ મય છે.
તેમણે ઉમેર્યું હતું કે, પહેલા પ્રભુ રામ અને માતા જાનકીને યાદ કરી લો. સિયાવર રામચંદ્રની જય, જય શ્રી રામ. આજે આ જયઘોષ ફકર સીતારામની નગરી આયોધ્યામાં જ સાંભળવા નથી મળતી, આની ગૂંજ સમગ્ર વિશ્વભરમાં સંભળાઈ રહી છે. દરેક દેશવાસીઓ અને દુનિયાભરમાં રહેતા કરોડો-કરોડો ભારતના ભક્તોને, રામભક્તોને આજે આ પવિત્ર અવસર પર કોટી-કોટી અભિનંદન. આ મારું સૌભાગ્ય છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને બોલાવ્યો અને મને આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો. હું હૃદયપૂર્વક ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છુ.
આજે સમગ્ર દેશ આનંદિત છે, દરેકનું મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઇ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઇ રહ્યો નહિ હોય કે તેઓ જીવતે જીવ આ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભું થવું સદીઓથી ચાલી રહેલ આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ છે.
અહીં આવતા પહેલાં મેં હનુમાન ગઢીના દર્શન કર્યા. રામના બધા કામ હનુમાનજી તો કરે છે. રામના આદર્શોની કલિયુગમાં રક્ષા કરવાની જવાબદારી હનુમાનજીની છે. શ્રીરામનું મંદિર અમારી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. જાણીજોઈને આધુનિક શબ્દનો ઉપયોગ કરુ છું. આપણી શાશ્વત આત્મા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. આ મંદિર કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતીક બનશે. આગામી પેઢીને આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પની પ્રેરણા આ મંદિર આપે છે. આ મંદિર બન્યા પછી અયોધ્યાની ભવ્યતા વધવાની સાથે સાથે આ વિસ્તારનું સમગ્ર અર્થતંત્ર જ બદલાઈ ગયું છે. દરેક ક્ષેત્રે નવા અવસર બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો, જેમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શિલાન્યાસ કર્યા પછી, પૂજન દરમિયાન, પુરોહિતે કહ્યું, કોઈપણ યજ્ઞમાં દક્ષિણાનું મહત્વ છે. આજે દક્ષિણામાં એટલું બધું અપાયું છે કે આજે અબજો આશિર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારત તો આપણો જ છે, તેના કરતા વધારે આપો. કેટલીક સમસ્યાઓ છે, અમે તે સમસ્યાઓ દૂર કરવાનો સંકલ્પ કર્યો છે, જો ૫ ઓગસ્ટે બીજું કંઈ ઉમેરવામાં આવે તો ભગવાનની કૃપા થશે.
કોરોના સંકટને કારણે, યજમાન એટલે કે, નરેન્દ્ર મોદી અને પૂજા કરી રહેલા પંડિતો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી લેવામાં આવી હતી. આ સાથે, અન્ય મહેમાનો પણ દુર બેસાડવામાં આવ્યા હતા. શ્રીરામ જન્મભૂમિના પ્રાંગણમાં પૂજા કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાના દર્શન કર્યા હતા. આ દરમિયાન મોદીએ સાષ્ટાંગ નમન કરીને રામલલાના આશીર્વાદ લીધા હતા.
વિશેષ વાત એ છે કે રામલાલા જ્યાં બિરાજમાન છે ત્યાં જ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ પથ્થરો મૂકીને રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો. લગભગ ૧૫૦ સાધુ-સંતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. કોરોનાને કારણે, સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી લેવામાં આવી હતી.