- સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી ધરપકડ કરવા એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ સહીતની પોલીસ દોડતી થઇ
રાજકોટ શહેરમાં નજીવી બાબતે હુમલાથી માંડી હત્યા સુધીના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. ત્યારે રૈયાધાર વિસ્તારમાં અવાવરુ વંડામાં ભંગારના ધંધાર્થીનો માથું છુંદેલી હાલતમાં હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર જાગી મચી જવા પામ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના રૈયાધાર મચ્છુનગર ટાઉનશિપ સામે શાંતિનગરના ગેઇટ નજીક વંડામાં એક યુવકનો હત્યા કરાયેલ મૃતદેહ પડયો હોવાની પોલીસની જાણ કરાતા યુનિવર્સિટી, ક્રાઈમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ઇન્ચાર્જ પીઆઈ જે.એમ કૈલાની ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક મચ્છુનગર ટાઉનશિપ સામે ખાડામાં રહેતો ભંગારનો ધંધાર્થી વિનોદ દિનેશભાઈ વઢીયારા ઉ.વર્ષ 22 વાળો હોવાનું અને માથું છુંદેલી હાલતમાં પથ્થર કે કોઈ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયાનું જાણવા મળતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા તેમજ મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરતા વિનોદ શનિવારે બપોરે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા લાપતા થયો હતો અને તેનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળતા હત્યા શા માટે અને કોણે અને શા માટે કરી તેમજ અગાઉ કોઈની સાથે માથાકૂટ કે વેર ઝેર હતું કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિનોદની હત્યા પાછળ નાણાંની લેતી દેતી કે અન્ય કંઈ હત્યારા કોણ તે અંગે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર દારૂની મહેફિલમાં માથાકૂટ થતાં મામલો હત્યા સુધી પહોંચ્યાની શંકા સેવાઇ રહી છે. સીસીટીવી કેમેરામાં કેદ એક શકમંદની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિનોદ ઉર્ફે વિનોજ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે. પોલીસે તપાસ શરૂ કરતાં વિનોદ ઉર્ફે વિનોદની રેંકડી પણ લાશ મળી તેનાથી થોડે દૂર બાવળની ઝાડીમાંથી મળી આવી હતી. આમ હત્યારાઓએ રેંકડી છુપાવી હતી. પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા વિનોદ ઉર્ફે વિનોજની સાથે ભંગારની જ ફેરી કરતો એક શખ્સ જતો જોવા મળ્યો હતો તેમજ તે શખ્સ જ વિનોદ ઉર્ફે વિનોજની રેંકડી લઇને એકલો આવતો પણ દેખાયો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાતા શકમંદની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. યુવાન પુત્રની હત્યાથી વઢિયારા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.