બીમાર વૃધ્ધાની સેવા-ચાકરીના કારણે દંપતી વચ્ચે થતા ઝઘડાના કારણે ચોથા માળે માતાને લઇ જઇ પુત્રએ ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધી: ખૂનના ગુનામાં ધરપકડથી બચવા કળયુગી પુત્ર હોસ્પિટલમાં દાખલ થયો
શહેરના નાણાવટી ચોક નજીક આવેલા રામેશ્ર્વર પાર્કમાં દર્શન એવન્યુ એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુકી ૬૪ વર્ષના વૃધ્ધાએ કરેલા આપઘાતના બનાવ અંગે પડોશીએ વૃધ્ધાની આત્મહત્યા નહી પણ તેના પુત્રએ એપાર્ટમેન્ટની અગાશી પર લઇ જઇ ફેંકી દીધાની પોલીસને મળેલી નનામી અરજીની પોલીસે ઉંડાણ પૂર્વક કરેલી તપાસમાં વૃધ્ધાની સાથે તેનો પુત્ર અગાશી પર હોવાના સીસીટીવી ફુટેજ મળી આવતા પોલીસે વૃધ્ધાની હત્યાનો તેના પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી કળયુગી પુત્રની પોલીસ ધરપકડ કરે તે પહેલાં તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામેશ્ર્વર પાર્ક-૨માં આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન વિનોદભાઇ નથવાણી નામના ૬૪ વર્ષના વૃધ્ધાનું ગત તા.૨૭-૯-૧૭ના એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડી જતા તેણીને હેમરેજ થવાથી મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું હતું.
સમગ્ર ઘટનાની પત્રકાર પરિષદમાં વિગતો આપતા ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી હર્ષદ મહેતા અને પી.આઇ. જી.બી.બાંભણીયા સહિતના સ્ટાફે જયશ્રીબેન નથવાણીનું મોત અકસ્માતે પડી જવાથી નહી પણ તેણીનો પુત્ર સંદિપ નથવાણી અગાશી પર લઇ ગયો હોવાનું અને તેને જ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી અગાશી પરથી ફેંકી દીધાની ચોકાવનારી નનામી અરજી પોલીસને મળી હોવાનું જણાવ્યું હતું.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. જી.બી.બાંભણીયા અને હેડ કોન્સ્ટેબલ શૈલેષપરી ગોસાઇ સહિતના સ્ટાફે જયશ્રીબેન નથવાણીના આપઘાતની ઘટના અંગે ઉંડી તપાસ શ‚ કરી હતી અને દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસીટીવી ફુટેજની તપાસ શ‚ કરી હતી.
મૃતક જયશ્રીબેન નથવાણી લાંબા સમયથી બીમાર રહેતા હોવાથી તેઓ ચાલી શકે તેમ ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે બનાવના સમયે જયશ્રીબેન નથવાણીને તેનો પુત્ર સંદિપ બથમા લઇ લિફટ પાસે લાવ્યાનું, ચપ્પલ પહેરાવ્યા હતા ત્યારે સંદિપ નથવાણીએ ચપ્પલ પહેર્યા ન હતા. સંદિપ લિફ્ટમાં નીચે આવ્યો ત્યારે તેને પોતાની માતાના ચપ્પલ પહેર્યા સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યો હતો. સંદિપ નથવાણીએ પડોશી પાસેથી માતાને બેસવા ખુરશી માગી હતી.
સંદિપ નથવાણી અને એક મહિલા ખુરશી અગાશી લઇ જતા હોવા મળ્યા હતા ત્યાર બાદ સંદિપ નથવાણી એકલો જ નીચે આવ્યો ત્યારે પણ માતાના ચપ્પલ પહેર્યા હતા અને એક્ટિવા પર બહાર જતો જોવા મળ્યો હતો. થોડીવાર બાદ ફરી સંદિપ નથવાણી અગાશી પર પહોચ્યો હતો માતા જયશ્રીબેન નથવાણી સાથે સંદિપ નથવાણી જોવા મળ્યાની ગણતરીની જ મિનિટોમાં જયશ્રીબેન નથવાણી અગાશી પરથી નીચે પટકાયા હોવાના ફુટેજ પોલીસને મળ્યા હતા.
મૃતક જયશ્રીબેન ગત તા.૪ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન હેમરેજ થયું હોવાથી સ્ટલીંગ હોસ્પિટલમાં દાખલ કરયા હતા અને પોતાની જાતે ચાલી શકે તેમ ન હોવાથી સંદિપ નથવાણીની પત્ની રચનાબેનને સેવા-ચાકરી કરવી પડતી હોવાથી બંને વચ્ચે ઝઘડા થતા હોવાથી હત્યા કર્યાનું બહાર આવ્યું છે.
સંદિપ નથવાણી બે બહેન અને એક જ ભાઇ છે. એક અપરિણીત બહેન જામનગર ખાતે રહે છે જ્યારે પરિણીત બહેન રાજકોટ ખાતે રહે છે. સંદિપ નથવાણી સાથે પત્ની રચના ઝઘડા કરતી હોવાથી જેને જન્મ દીધો તેના હાથે જ મોત મળ્યાનું બહાર આવ્યું છે. વૃધ્ધાના એકના એક પુત્રએ ઘડપણમાં સેવામાંથી બચવા માતાને મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવતા સભ્ય સમાજનું શરમથી માથુ ઝુંકી ગયું છે.
મૃતક જયશ્રીબેન નથવાણીનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ ચાલી શકતા ન હતા તો તેઓ એપાર્ટમેન્ટની અઢી ફુટ ઉંચી દિવાલ કંઇ રીતે કુદી શકે તે અંગે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. સંદિપ નથવાણી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કરતા તે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો.