ભાજપની પરંપરાગત બેઠક પર રમેશભાઇ ટીલાળાએ કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઇ વોરાને 78,764 મતોથી હરાવ્યાં
70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળાનો જાજરમાન વિજય થયો છે. રાજકોટની ચારેય બેઠકો જાળવી રાખવામાં ભાજપને સફળતા સાંપડી છે. આટલું જ નહિં તમામ બેઠકો પર ઉમેદવારોની લીડમાં પણ તોતીંગ વધારો થયો છે. રાજકોટ દક્ષિણમાં 2017માં ભાજપને મળેલી લીડ કરતા આ વખતે 35 હજારથી પણ વધુની લીડ પ્રાપ્ત થવા પામી છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતાં. ભાજપે આ વખતે તેઓના સ્થાને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અને ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને મેદાનમાં ઉતાર્યા હતાં. રાજકોટ શહેરની અન્ય ત્રણ બેઠકો પૈકી આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ ખેલાયો હતો.
કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઇ વોરા મેદાનમાં હતાં. જ્યારે આમ આદમી પાર્ટીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસીયાને મેદાનમાં ઉતાર્યા હતાં. પ્રચાર અને મતદાન દરમિયાન લોકો, કાર્યકરો, આગેવાનો અને રાજકીય પંડિતોમાં એવી ચર્ચા થતી હતી કે ભાજપ માટે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક સૌથી સલામત છે. સૌથી વધુ લીડ પણ આ બેઠક પરથી નીકળે તેવું લાગી રહ્યું છે. આજે મતગણતરીના દિવસે પ્રથમ રાઉન્ડથી જ રમેશભાઇ ટીલાળાએ સરસાઇ હાંસલ કરી લીધી હતી. દરેક રાઉન્ડના અંતે તેઓની લીડમાં સતત વધારો થતો રહ્યો હતો. મતગણતરીના અંતે તેઓ 78,764 મતોથી વિજેતા બન્યાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ગોવિંદભાઇ પટેલ 47,229 મતોથી વિજેતા બન્યાં હતાં. તેઓનો આ રેકોર્ડ રમેશભાઇ ટીલાળાએ તોડી નાંખ્યો છે. એટલું જ નહિં ભાજપનો વોટશેર પણ વધાર્યો છે.
આ બેઠકને વર્ષોથી પાટીદાર સમાજની બેઠક માનવામાં આવે છે. આ બેઠક પર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પાટીદાર સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી. એટલે એવું કહેવામાં આવે છે કે રાજકોટ દક્ષિણ બેઠક પર પાટીદારો વચ્ચે જંગ હતો તો જરાપણ ખોટું નથી. જેમાં મેદાન મારવામાં રમેશભાઇ ટીલાળા સફળ રહ્યાં છે. સ્વભાવે સૌમ્ય અને જાણીતા ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવતા રમેશભાઇને દક્ષિણના મતદારોએ હોંશભેર ખભ્ભે બેસાડી ધારાસભ્ય તરીકે ચૂંટીને ગાંધીનગર મોકલ્યાં છે. તેઓએ પણ મતદારોની તમામ અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટેની બાંહેધરી આપી હતી. રાજકોટની ચારેય બેઠકો પર ભાજપનો વિજય વાવટો લહેરાય તે માટે પક્ષે ગોઠવેલી ચૂંટણીની વ્યૂહરચના સફળ રહી છે.