એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ…. બાકી હતું તો હવે ફૂગજન્ય રોગ આંતક મચાવી રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ફૂગથી ફેલાતા આ મ્યુકરમાયકોસીસના કેસ વધતા સ્થાનિક તંત્ર ઉપરાંત સરકારને દોડતી કરી દીધી છે. કોરોના સામેની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શનની હાડમારી હજુ માંડ સમી છે ત્યાં આ મ્યુકરમાયકોસીસના ઈન્જેકશન Amphotericin Bની હાડમારી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરવા સરકાર કટિબદ્ધ છે તેમ તાજેતરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યુ કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય, લોકોનું આરોગ્ય જળવાઈ રહે માટે સતત પ્રયત્નશીલ છે. દેશમાં હાલ મ્યુકરમાયકોસીસનો રોગચાળો વ્યાપક થયો છે. ગુજરાત રાજ્યમાં પણ આ રોગના કેસ વધુ જોવા મળ્યા છે. તેમણે માહિતી આપતા કહ્યું કે આ રોગના દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ શરુ કરવામાં આવ્યા છે. તેમજ ખાનગી હોસ્પિટલો પણ આ રોગના દર્દીઓની સારવાર કરે છે. જરૂરી એવા ઈન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરીને અત્યાર સુધી મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને 20,700થી વધુ ઇન્જેક્શન Amphotericin B ઉપલબ્ધ કરાવી આપ્યા છે.
સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે આ ઈન્જેક્શન Amphotericin Bનો વધુ જથ્થો આજે રવિવારે મોડી સાંજે રાજ્યને મળવાનો છે. આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને ફાળવી દેવામાં આવશે. તેમજ આવનારા દિવસોમાં પણ આ ઇન્જેક્શનની અછત ઊભી ના થાય તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા ઇન્જેક્શન Amphotericin Bનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવશે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને આ દવા આરોગ્ય વિભાગના દિશાનિર્દેશ પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોરોનાની સાથે મ્યુકરમાયકોસીસના રોગ સામે પણ ગુજરાત જીતશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની જેમ મ્યુકરમાયકોસીસ પણ ફાટી નીકળતા કેસ ઝડપભેર વધી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 250થી વધુ લોકોએ આ મ્યુકરમાયકોસીસના લીધે જીવ ગુમાવ્યા છે. આ રોગચાળાનો આંતક વધતા ગુજરાતમાં આ રોગને મહામારી તરીકે પણ જાહેર કરાયેલ છે.