કાયદાના રક્ષકોએ કાયદાનો ભંગ કર્યો
પોલીસ કવાર્ટરના સંકુલમાં બે પોલીસ પરિવાર વચ્ચે સામ-સામે મારામારી થતા પોલીસ બેડામાં ખળભળાટ
અબતક,રાજકોટ
શહેરના રામનાથપરા પોલીસ સંકુલમાં કાયદાના રક્ષકોએ જ કાયદાના લીલેલીરા ઉડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે પોલીસ પરિવાર વચ્ચે જુગારની બાતમી આપ્યાની શંકાએ સામસામે મારામારી થતા બંને પોલીસ કર્મીઓને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામનાથપરા પોલીસ સંકુલમાં બી.9માં રહેતા અને હેડ કવાર્ટરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધીરજભાઈ અરજણભાઈ અઘેરા ઉ.52 પર પોલીસ લાઈનમાં જ રહેતા રતીલાલ મંગાભાઈ સારીખડાએ ઢીકાપાટુ અને લાકડી વડે મારમારતા હેડ કોન્સ્ટેબલ ધીરજભાઈ અઘેરાને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ ધીરજભાઈ અઘેરાએ જણાવ્યું હતુ કે પાંચ છ માસ પહેલા પોલીસ લાઈનમાં રતીલાલ સારીખડાના ઘરે જુગારનો દરોડો પાડયો હતો. જેમાં ધીરજભાઈ અઘેરાએ બાતમી આપ્યાની શંકાએ ગઈકાલે માથાકૂટ કરી મારમાર્યો હોવાનું સામે આવ્યું છે.
તો બીજી તરફ રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મી રતીલાલ મંગાભાઈ સારીખડા ઉ.53 એ જણાવ્યું હતુ કે ગઈકાલે સાંજના 6.30 વાગ્યાની આસપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધીરજભાઈ અઘેરાએ ઢીકાપાટુનો મારમારતા તેઓને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રજાની રક્ષા માટે ફરજ બજાવતા કાયદાઓનાં રખેવાળ જ સરા જાહેર કાયદાની ધજીયા ઉડાવી રામનાથપરા પોલીસ સંકુલમાં જ બઘડાટી બોલાવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.