સતત ત્રીજા વર્ષે યોજાયેલા સમુહલગ્નમાં ૧૧ દીકરીઓને ૨૦૦થી વધુ કરિયાવર વસ્તુ અપાઈ
સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ગઈકાલે કોઠારીયા ગામ ખાતે ૧૧ નવ દંપતિઓનું સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવમાં બહોળી સંખ્યામાં રામાનંદી સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નવદંપતિના પરિવારોએ સહભાગી થયા હતા.
સમસ્ત રામાનંદી સમાજના એક કાર્યકર્તાએ જણાવયું હતું કે, સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા રામાનંદી સમાજની અતિ ગરીબ ઘરની દીકરીઓનું સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સતત આ આયોજન કરી રહ્યા છીએ.
ઘણા ખરા મા-બાપ એવા છે કે જેને દીકરીઓના લગ્ન કરાવામાં તકલીફ પડતી હોય છે તો અમે આવી ગરીબ ઘરની દીકરીઓને લગ્ન કરાવી આપીએ છીએ. દીકરીઓના મા-બાપ જેટલો કરીયાવર નથી આપી શકતા તેનાથી બે ગણો કરીયાવર અમે દીકરીઓને આપીએ છીએ. આ વર્ષે ૧૧ દીકરીઓને ૨૦૦થી પણ વધુ વસ્તુઓનો કરિયાવર અમે આપ્યો છે. દર વર્ષે રામાનંદી સમાજમાં ૩૦ થી ૪૦ દિકરીઓની લગ્નની યાદી આવતી હોય છે. અમારા યુવા મંડળના યુવકો આવી બધી દીકરીઓના ઘરે જઈ તપાસ કરે છે અને અતિ ગરીબના ઘરની દીકરીના અમે લગ્ન કરાવી આપીએ છીએ. આ વર્ષે પરમ આદરણીય ગુરુ ૧૦૦૮ રામાચાર્યજી એ લગ્નોત્સવમાં હાજરી આપી આર્શીવચન પાઠવેલા છે. રામાનંદી સમાજના ગુરુ રામાચાર્યજીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી હું આ સમુહ લગ્નોત્સવમાં હાજરી આપું છું. રામાનંદી સમાજ દ્વારા ખરેખર આ ઉતમ કાર્ય કરવામાં આવે છે. મારા વતી હું સમાજને, આર્શીવાદ આપુ છું સમાજમાં હજુ વધુને વધુ પ્રગતિ થાય અને સમાજ દ્વારા આવા સામાજીક કાર્યો કરવામાં આવે તેવી શુભેચ્છા રામાચાર્યજીએ પાઠવી હતી.