અમેરિકામાં યોજાયેલી માનસ રામચરિત કથામાંં મોરારીબાપુનું ભાવુક આહવાન
અમેરિકાના બોસ્ટન શહેરમાં 8 જુલાઈ થી પ્રારંભ થયેલી પુ. મોરારીબાપુના વ્યાસાસને ગવાતી રામ કથા “માનસ રામચરિત” ત્રીજા દિવસે કથામાં ભાવુક રીતે સૌને સંબોધન કરતાં બાપુએ જણાવ્યું કે હું ક્યારેય કોઈ પાસેથી કોઈ આર્થિક ભિક્ષા લેતો નથી એટલે તમારી પાસે સૌ પાસેથી ડોલરની ભિક્ષા માંગવા માટે આવ્યો નથી. પરંતુ આપના સંતાનો યુવાધનને તમે વ્યાસપીઠ માટે સમય ફાળવવા માટે જણાવો એટલે કે તમારા સંતાનોને વ્યાસપીઠને સમર્પિત કરો. રામચરિત માનસનું શરણ એ જીવન આપશે અને એ જીવન મેળવવા માટે પણ આપણે એવા સમર્પણ માટે તૈયાર રહેવું જોઈએ.
બોસ્ટનના એક વિશાળ સ્ટેડિયમમાં શાંતિનિકેતન પરિવારના શ્રી ચંદ્રકાંતભાઈ અને રઘુભાઈના નિમિત માત્ર યજમાનના મનોરથથી યોજાયેલાં આ રામ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ કરવા માટે આવે છે.ત્યારે એ વાત પણ સિદ્ધ થાય છે કે આજે પણ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ વિદેશોની ધરતી પર પણ ચેતનાવંત છે.
પૂજ્ય મોરારીબાપુએ ત્રીજા દિવસની કથામાં પ્રવેશ કરતાં કહ્યું કે રામચરિત માનસ એ પ્રેમનો ગ્રંથ છે. અહીંથી તેના વિવિધ સ્વરૂપોનું આચમન થઈ શકે છે.એટલું જ નહીં પરંતુ માનસ પરમ વૈધ પણ છે એટલે કે તેમાંથી બધી જ સારવાર શક્ય છે. વાણી એ ત્યારે જ જીવંત રહી શકે કે જો પરહિત માટે કાર્યરત હોય તથા કોઈ માટે તેનો અયોગ્ય ઉપયોગ ન કર્યો હોય. બાપુએ પોતાની વાણીની અવિરત ધારાનું મહત્વ સિદ્ધ કરતા તે વાત પર ભાર મૂક્યો. ગુરુના આશ્રયે બોલવું અને હરિનામનો અંખંડ જપ એ અભ્યાસ છે. જ્ઞાન, વિરાગ અને યોગ માટે સદગુરુની જરૂર પડે છે. હનુમાન ચાલીસામાં ત્રણ વખત સંકટનો ઉલ્લેખ છે અને તે સંકટ એટલે આપણી ઉપરોક્ત સદ્વવૃતિનો અભાવ.
પુ.બાપુએ આજે કેશવચંદ્ર સેન અને રામકૃષ્ણ પરમહંસ વચ્ચેના સંવાદ દ્વારા સદગુરુ ચેતનતત્વને જીવંત કર્યું હતું.અમેરિકાની ધરતી પર સૌને સન્માર્ગે જીવન જીવવાનો સંદેશ આપ્યો. જીવનની વિવિધ પ્રકારની કુટેવો અને વ્યસનોમાંથી સૌને બહાર આવવા પર પણ ભારપૂર્વક વિનંતી કરી.વ્યસન એ પીડા અને દુ:ખ,આપત્તિ છે તે વાત પર વિશેષ ભાર આપ્યો.
ભારતની અતિવૃષ્ટિની સ્થિતિ માટે ચિંતા પ્રગટ કરી નિર્વાણ પામેલાં ભારતવાસીઓની સદ્ગગતિ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી આખો અહેવાલ આવે બાદમાં તેના તરફ કરુણા પ્રસાદ પહોંચાડવા ઈચ્છા જાહેર કરી.કથાનો રોજીંદો હિન્દીમાંથી અંગ્રેજી અનુવાદનો ટુંકસાર આપવાની સેવા શ્રી નરેશભાઈ બજાવી રહ્યાં છે.