લાઠીમાં રામકથામાં ‘માનસ શંકર’માં સમુહલગ્ન, મહારકતદાન શિબિર યોજાઈ
લાઠીના આંગણે યોજાયેલી ભવ્ય રામકથા હવે ધીમે ધીમે અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી છે. સાતમા દિવસે શંકર પરિવાર દ્વારા યોજાયેલા પ્રકલ્પોમાં 75 દીકરીઓને વળાવવાનો અવસર પરિવારે ઝડપ્યો હતો. સાથે સાથે રક્તદાન એ મહાદાનના જીવન સૂત્રને સાર્થક કરવા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડી 460 યુનિટનું રક્તદાન કર્યું હતું. ત્યારબાદ એક બીજા ઉભાં કરાયેલાં સમીયાણામાં લગ્નના ગીતોનું ગુંજન થયું હતું.શંકર પરિવારના ઘનશ્યામભાઈ અને ગીતાબેન વગેરે આ દીકરીઓને ક્ધયાદાન આપીને શ્ર્વસુરગૃહે વળાવી હતી.
કથાના પ્રારંભમાં યુગદિવાકર પુ. નમ્રમુનિ મા.સા. દ્વારા આશિર્વચન મળ્યાં અને સુપ્રસિદ્ધ કથાકાર ભગવાનજીદાદા શર્મા પરિવારના શ્રી જનકભાઈ શર્મા અને રાજુભાઈનું સન્માન થયું હતું.સાથો સાથ ઠાકોરસાહેબ ઓફ લાઠી શ્રી કિર્તિકુમારસિંહજી ગોહિલ, ઉષાબા સાહેબા અને કુ.હેમાંગીનીબાનું યજમાન શંકર પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું.
સાતમાં દિવસની કથામાં પ્રવેશ કરતાં પહેલા પૂ. મોરારીબાપુએ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાના નિર્વાણ માટે શોક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીને રામ સંકીર્તન કર્યું હતું.તેઓને તથા તેમના પરિવારને આ દુ:ખ સહન કરવા ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.બાપુએ કથામૃતના અમી છાંટણા કરતાં કહ્યું ’રામ ભૂતકાળ કે ભવિષ્યકાળ નથી પરંતુ હંમેશા વર્તમાન છે. રામતત્વ એટલે સૂર્ય છે.ભગવાનની બાળલીલાનું સુંદર વર્ણન માનસમાં છે.ચારે રાજકુમારોના નામ સંસ્કરણ અને તેની વિવિધ બાલક્રિડાનુ પણ વર્ણન છે. રામ વિશ્રામ,અભિરામ અને આરામ છે.
પોષણનુ નામ ભરત છે.શત્રુતાનો નાશ કરે તે શત્રુઘ્ન અને જેના ભીતર ત્રણેય ગુણોનો નાશ કરે.શેષનો અવતાર તે લક્ષ્મણજી છે. શત્રુઘ્નએ લોભને માર્યો છે. રામ નામ જપનારાએ કોઈનું શોષણ નહીં પરંતુ સર્વનું પોષણ કરવું જોઈએ. હું માનસ નહીં પણ માણસને પણ વાંચતા શીખ્યો છું. ધર્મનો અર્થ સ્વભાવ છે. ત્યારબાદ વિશ્વામિત્રનું આગમન અને બંને રાજકુમારોને યજ્ઞના રક્ષણ માટે દશરથજી પાસેથી માગવાની કથા પણ આવે છે.
ભક્તિ એ સીતા અને દશરથ એ જ્ઞાન છે. અને તેથી જ્ઞાનનું ધ્યાન બીજે ખેંચાઈ છે ત્યારે સત્ય ત્યાંથી દૂર જતું રહે છે. રામના હાથમાં શસ્ત્ર છે તો પણ તે મુક્તિદાયક છે.તેથી રામ કોઈને મારે નહીં પરંતુ તારે. નીતિ કરો કહે છે કે જ્યારે તમે માતા-પિતાને કે વડીલોને વંદન કરો છો ત્યારે ચાર વસ્તુઓ વધે છે અને બળ,આયુ, વિદ્યા, યશ અને બળ. કોઈપણ ની માનવતા આંખોમાંથી ઓળખાઈ જાય છે.
યજ્ઞ,દાન અને તપ ત્રણ વસ્તુઓનો મહિમા છે. ત્યાગ ન આવે ત્યાં સુધી જીવનયજ્ઞ અધૂરો રહે છે. પછી સુબાહુ મારીચનો વધ અને પછી અહલ્યાનો ઉદ્ધારની કથા સાથે આજની કથાને વિરામ આપવામાં આવ્યો હતો.બપોર બાદ સાંજે 5:30 કલાકે 76 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કથામાં સુરતના ઉદ્યોગપતિ વલ્લભભાઈ સવાણી તથા માજી શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.