હિન્દુ પંચાગના સૌથી મોટા પર્વ દિવાળીના તહેવારનો આવતીકાલથી મંગલારંભ થશે. દિવાળીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આવતીકાલથી પ્રાથમિક શાળાઓમાં પણ દિવાળી વેકેશન પડી જશે કાલે રમા એકાદશી અને વાઘ બારસ એક સાથે છે શુક્રવારે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.
શનિવારે કાળી ચૌદશ છે જયારે રવિવારે દિપાવલીનું મહાપર્વ છે. સોમવારે પડતર દિવસ એટલે કે ધોકો છે. જયારે મંગળવારના રોજ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે રાજકોટમાં આજથી મહાપાલિકા દ્વારા પાંચ દિવસીય ‘દિવાળી ઉત્સવ’ ની શાનદાર ઉજવણી કરવામાં આવશે. ઠેર ઠેર રોશની કરવામાં આવી છે. દિપાવલીના પર્વને ઉજવવા માટે લોકોના હૈયે ભારે હરખ જોવા મળી રહ્યો છે.
શુક્રવારે ધનતેરસ, શનિવારે કાળી ચૌદશ અને રવિવાળે દિવાળીનો તહેવાર: બજારોમાં ખરીદી માટે ભારે ભીડ: રોશનીનો ઝગમગાટ
વેદાંત રત્ન રાજદીપભાઇ જોષીના જણાવ્યાનુસાર આસો વદ અગિયારને ગુરૂવારે રમા એકાદશી છે સાથે વાઘ બારસ પણ છે. આ દિવસથી દિપાવલી ના મહાપર્વની શરુઆત થશે.
રમા એકાદશીનુ વ્રત કરવાથી એકાદશીના નામ મુજબ લક્ષ્મી અને ધનની તથા સુખ અને વૈભવની પ્રાપ્તી થાય છે.
રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌ પ્રથમ સૂર્યને અર્ધ આપવું અને ત્યાર પછી તુલસીની પુજા કરવી અને એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખા રાખી અને લક્ષ્મી વિષ્ણુ ભગવાનની છબી રાખવી અને તેનું પુજન કરવું નૈવેદ્ય માં કેળા ખાસ ધરાવા ત્યારબાદ એકાદશીની કથા વાંચવી.
રમા એકદશીના દિવસથી અયોઘ્યાવાસીઓને શ્રીરામ ભગવાનના આવવાના સમાચાર મળેલા.આથી આ દિવસથી રંગોળી કરવાની શરુઆત થયેલી આમ રામ ભગવાનના વખતથી રમા એકાદશીના દિવસથી બેસતા વર્ષ સુધી લોકો રંગોળી કરે છે.
ગુરુવારે વાઘ બારસ મનાવાશે આ દિવસે ગાયની પુજાનું મહત્વ વધારે છે. ગાયને શણગાર કરવો ગાયને ઘાસ નાખવું પ્રદિક્ષણા ફરવી આ દિવસે જો પતિ પત્ની બન્ને સાથે ભેગા મળી અને વિષ્ણુ લક્ષ્મીજીનું પુજન કરે તો દામ્તત્ય જીવન મા મીઠાસ આવે છે.
શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ પછી આજ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા આ દિવસે કોઇપણ મહિલા અથવા પુરુષ પોતાના પરિવારની સુખ શાંતિ માટે ઉપવાસ અથવા એકટાણુ રહી શકે છે. આમ આ દિવસે ઉપવાસ રહેવાથી રમા એકાદશી અને વાઘ બારસ બન્ને તહેવારોનું ફળ મળશે.