દેશભરમાં અત્યારે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો રાજકારણ અને જનમાનસ પર છવાઈ ગયો છે.
પુલવામાની ૪૦ જવાનોની શહિદીથી આખો દેશ હચમચી ઉઠયો છે ત્યારે આગામી ચુંટણીમાં અસરકારક પરીણામ માટે ભાજપ રામમંદિરના બદલે પુલવામા આત્મઘાતી હુમલાને અગ્રતા આપે તેવી હિમાયત આર.એસ.એસ. દ્વારા કરીને દેશ માટે રાષ્ટ્રવાદની ભાવના શિરમારે હોવાનો નિર્દેશ આપ્યો છે.
પુલવામા આત્મઘાતી હુમલા બાદ આર.એસ.એસ.એ ચુંટણી રણનીતિ બદલાવી હોય તેમ ચુંટણીમાં રામમંદિરના બદલે પુલવામાં હુમલાનો બદલો હાથ ઉપર લેવાનું નકકી કર્યું છે. વિદર્ભ પ્રાંતની પ્રદેશ બેઠક બાદ સંઘ પરિવાર દ્વારા દેશભરમાં પ્રાદેશિક કક્ષાએ આવતા મહિનાથી શરૂ થનારી ચુંટણીના પ્રચારની કામગીરીમાં લોકો વચ્ચે લોકસભાની ચુંટણીમાં સંઘ રામમંદિરના બદલે પુલવામા આત્મઘાતી હુમલાનો મુદો ઉઠાવશે. લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન મોદીને ફરીથી દેશનું સુકાન આપવાના આરએસએસના અભિયાન અંતર્ગત હર હર મોદી, ઘર ઘર મોદી માટે રામમંદિરના બદલે અત્યારે પુલવામાનો મુદ્દો મતદારો વચ્ચે લઈ જવાશે.
ભારતમાં સ્થિર સરકાર અને નરેન્દ્ર મોદીના પુનરોગમન માટે સંઘ લોકો સમક્ષ દરેક રાષ્ટ્રવાદી પરિવાર વચ્ચે કાશ્મીરનો મુદો અને રાષ્ટ્ર નિર્માણ માટે વડાપ્રધાન મોદીને ફરીથી ચુંટવાની જરૂરીયાત મતદારોને સમજાવશે. સંઘ દ્વારા વડાપ્રધાનના પ્રચાર માટે મોદી સરકારના છેલ્લા પાંચ વરસના કામોની સરખામણી કોંગ્રેસના ૫૦ વર્ષના શાસન સાથે કરવામાં આવી છે. આર.એસ.એસ. દ્વારા દરેક કાર્યકરોને મતદારના દરેક પરિવારને રૂબરૂ મળી વડાપ્રધાનની ઉપલબ્ધીઓ કાશ્મીર જેવી રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકારજનક સ્થિતિ, રામમંદિરની પરિકલ્પના સાકાર કરવાનો સંકલ્પ કરવા જેવા મુદ્દે મતદારોને ઉંડાણપૂર્વક સમજણ આપી ભાજપનો પ્રચાર કરવા તૈયાર કરવામાં આવ્યા છે.
આરએસએસના આ અસરકારક પ્રચાર અભિયાનમાં જયાં-જયાં જરૂર પડે ત્યાં મતદારોને નરેન્દ્ર મોદીના સમર્થન માટે સંપૂર્ણ રાજી કરી લેવા માટે જરૂર પડે તો અનેકવાર મીટીંગો કરી જયાં સુધી મતદારોના ગળે નરેન્દ્ર મોદીના મતની કિંમત અને જરૂરિયાતનો ઘુંટડો ન ઉતરે ત્યાં સુધી સમજાવવા પર ભાર મુકયો છે.