સાધ્વી રેપ કેસમાં 20 વર્ષની સજા કાપી રહેલા રામ રહીમની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. પંચકૂલા પોલીસે જપ્ત કરેલી હનીપ્રીતની સૂટકેસમાંથી રામ રહીમના 2 પાસપોર્ટ મળ્યા છે. પોલીસ કમિશ્નર એએસ ચાવલાએ જણાવ્યું કે, તેને તપાસ માટે પાસપોર્ટ ઓથોરિટીને મોકલવામાં આવ્યા છે. ઉપરાંત સિરસા સ્થિત ડેરા હેડક્વાર્ટરમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED) અને ઈન્કમ ટેક્સની ટીમ તપાસ કરશે.
પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટના આદેશ મુજબ સોમવારે રોહતકથી ઈન્કમ ટેક્સની ટીમ સિરસામાં ડેરા મુખ્યાલયમાં સર્ચ કરવા ગઈ હતી.એડીઆઈ દાતારામના નેતૃત્વની ટીમને સૌથી પહેલા સિટી પોલીસ સ્ટેશનમાં ટીઆઈ રામ સિંહ બિશ્નોઈએ જાણકારી આપી કે ઈડી અને આવકવેરા વિભાગની ટીમે સંયુક્ત રીતે ડેરામાં સર્ચ કરશે. આ માટે સીજેએમની પરમિશન લેવામાં આવશે. પરમિશન બાદ જ ડેરા હેડક્વાર્ટરમાં એન્ટ્રી મળી શકશે.રામ રહીમને ભગાવવાનું કાવતરું રચનારા હેડ કોન્સ્ટેબલની ધરપકડ
25 ઓગસ્ટના રોજ રામ રહીમને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના ફેંસલા પહેલા જ દંગા કરાવવા માટે અલગ-અલગ મીટિંગ થઈ હતી. આ મામલે એવો ખુલાસો થયો છે કે ગુરમીતને ભગાવવાની જવાબદારી ચંદીગઢ પોલીસની ઈન્ટેલિજેન્સ વિંગમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ લાલચંદ પર હતી. રોહતક કોર્ટમાંથી બહાર આવતા જ રામ રહીમને પોલીસની ગાડીમાં બેસાડીને ફરાર કરી દેવાની યોજના હતી. લાલચંદની હરિયાણા પોલીસની એસઆઈટીએ સોમવારે ધરપકડ કરી હતી. લાલચંદને મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે. જ્યાં પોલીસ તેને રિમાન્ડ પર લઈને બાકી આરોપીઓ અંગે પૂછપરછ કરશે. લાલચંદને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં બોલાવાયો હતો. જ્યાં પહોંચતા જ તેને અરેસ્ટ કરી લેવાયો.