શારીરિક શોષણના મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર પંચકૂલાની સીબીઆઈ કોર્ટ કાલે ચુકાદો આપવાની છે. ચૂકાદા બાદ હિંસાની આશંકાના કારણે હરિયાણા અને પંજાબ હાઈ એલર્ટ પર છે. હરિયાણાની સરહદો સીલ કરી દેવાઈ છે. મોટી સંખ્યાંમાં અર્ધસૈનિક દળોની તૈનાતી સાથે સેનાને પણ એલર્ટ રાખવામાં આવી છે. ઉત્તર રેલવેએ ગુરુવારના રોજ 6 અને શુક્રવારના રોજ પંજાબ જનારી 22 ટ્રેનોને રદ કરી નાખી છે. હાલાત પર કેન્દ્ર સરકારની પણ નજર છે. ગૃહ મંત્રાલયે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા પણ કરી. આ દરમિયાન રામ રહીમે ટ્વિટ કરીને સમર્થકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવી રાખે.
પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં ઈન્ટરેનેટ અને અન્ય ડેટા સર્વિસિઝ 72 કલાક માટે બંધ કરી દેવાઈ છે. ડ્રોન્સ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
બે દિવસ શાળા-કોલેજો, સરકારી કચેરીઓ બંધ
હરિયાણા અને ચંડીગઢમાં બે દિવસ માટે શાળા, કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે વધારાના સુરક્ષા માટે વધુ જવાનોની બટાલિયન બંને સ્થળોએ ઉતારી દીધી છે.