- વિરોધ વંટોળ વચ્ચે પણ રૂપાલાનો રેકોર્ડબ્રેક લીડથી વિજય
વિરોધ વંટોળ વચ્ચે પણ રૂપાલાનો રેકોર્ડબ્રેક લીડથી વિજય મેળવ્યો છે. રૂપાલાએ કોંગ્રેસના પરેશ ધાનાણી સામે અંદાજે 5 લાખની આસપાસ લીડથી જીત મેળવી લીધી છે. રાજકોટ ભાજપનો જ ગઢ હોવાનું ફરી એક વાર સાબિત થયું છે. પરેશ ધાનાણી તરફે જેવો માહોલ હતો તેવા મત નીકળ્યા નથી.
આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર થઈ રહ્યાં છે. તમામ નજર રાજકોટ અને બનાસકાંઠા બેઠક પર છે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. સાથે જ રાજકોટમાં ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલાની જીત પર સવાલો ઉઠી રહ્યા હતાં. જોકે વલણ મુજબ પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે. પરષોત્તમ રુપાલા હાલમાં 5 લાખ જેટલા મતથી આગળ ચાલી રહ્યા છે.
પરષોત્તમ રૂપાલા 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહ્યાં હતા. 1995માં નર્મદામાં સિંચાઈ અને પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી બન્યા હતા. તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ 2006માં બન્યા હતાં. પ્રવીણ રાષ્ટ્રપાલના અવસાન બાદ પેટાચૂંટણીમાં જૂન 2016માં તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. 2019થી જુલાઈ 2021 સુધી તેમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી .જુલાઈ 2021માં તેઓ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા હતાં.બીજી તરફ કોંગી ઉમેદવાર વિશે જોઈએ તો પરેશ કુમાર ધીરજ લાલ ધાનાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે સંકળાયેલા ગુજરાતના રાજકારણી છે.તેઓ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા છે . તેઓ પ્રથમ વખત 2002માં પુરુષોત્તમ રૂપાલા સામે અમરેલીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અગાઉ તેમણે 2002થી 2007 દરમિયાન અમરેલીનું પ્રતિનિધિત્વ કર્યું હતુંસામાજિક સમીકરણો જોઈએ તો રાજકોટ લોકસભા બેઠક પર 21.04 લાખ મતદારો છે.જેમાં પાટીદાર 5.26 લાખ જ્યારે કોળી 3.16 લાખ તો માલધારી 2.10 લાખ અને માલધારી 2.10 લાખ જ્યારે મુસ્લિમ 2.10 લાખ તો ક્ષત્રિય 1.68 લાખ જ્યારે 1.68 દલિત છે. બ્રાહ્મણ 1.47 લાખ તો લોહાણા 1.26 લાખ, અન્ય 2.31 લાખ મતદારો છે
રાજકોટ ભાજપનો જ ગઢ હોવાનું ફરી એક વાર સાબિત થયું, પરેશ ધાનાણી તરફે જેવો માહોલ હતો તેવા મત ન નીકળ્યા : રૂપાલાએ અંદાજે 5 લાખ આસપાસની લીડ મેળવી મોહનભાઈનો રેકોર્ડ તોડ્યો
- ધાનાણીએ રૂપાલાને પાઠવી શુભેચ્છા
રાજકોટ મત ગણતરી સમયે રૂપાલા-ધાનાણી સાથે જોવા મળ્યા હતા. પરષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી બંન્ને ચહેરામાં ખુશી જોવા મળી હતી. કોંગ્રેસ-ભાજપના બંને હસતા ચેહરે હતા ત્યારે પરષોત્તમ રૂપાલાને પરેશ ધાનાણીએ શુભેચ્છા પાઠવી હતી.
લોકસભા ચૂંટણી રાજકોટ બેઠક પર ચૂંટાયેલા સાંસદ
1952 – હિંમતસિંહજી (કોંગ્રેસ)
1952 – ખંડુભાઈ દેસાઈ (કોંગ્રેસ)
1962 – યુ એન ઢેબર (કોંગ્રેસ)
1967 – મીનુ મસાની (સ્વતંત્ર પાર્ટી)
1971 – ઘનશ્યામ ઓઝા (કોંગ્રેસ)
1977 – કેશુભાઈ પટેલ (જનતા પાર્ટી)
1980 – રામજીભાઈ માવાણી(કોંગ્રેસ)
1984 – રમાબેન પટેલ (કોંગ્રેસ)
1989 – શિવલાલ વેકરિયા (ભાજપ)
1991 – શિવલાલ વેકરિયા (ભાજપ)
1996 – વલ્લભ કથીરિયા (ભાજપ)
1998 – વલ્લભ કથીરિયા (ભાજપ)
1999 – વલ્લભ કથીરિયા (ભાજપ)
2004 – વલ્લભ કથીરિયા (ભાજપ)
2009 – કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)
2014 – મોહન કુંડારિયા (ભાજપ)
2019 – મોહન કુંડારિયા (ભાજપ)
નોટામાં પણ અઢળક મતો પડ્યા
રાજકોટ લોકસભા બેઠક ઉપર ગત તા.7ના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં વાસ્તવિક રીતે આ વખતે કોઈ પાર્ટી પાસે ઠોસ મુદા ન હતા. તેવામાં મતદારો નોટા તરફ વધુ પ્રમાણમાં વળ્યાં છે. આ લખાઈ છે ત્યારે બપોરે 2 વાગ્યે 14 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. ત્યાં સુધીમાં 10,708 જેટલા નોટામાં મત પડ્યા છે.
- રાજકોટ બેઠક ઉપર અત્યાર સુધીમાં સૌથી વધુ 3.68 લાખ લીડનો રેકોર્ડ હતો
રાજકોટની લોકસભાની છેલ્લી 13 ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીતનો રેકોર્ડ ભાજપના મોહન કુંડારિયાના નામનો છે. 2019માં તેમણે 3,68,407 મતની લીડ મેળવી હતી જ્યારે સૌથી પાતળી સરસાઇ 1977માં કેશુભાઇ પટેલને મળી હતી. ભારતીય લોકદલ તરફથી કેશુભાઇ પટેલ તો કોંગ્રેસના અરવિંદ પટેલ વચ્ચે જંગ હતો જેમાં કેશુભાઇ પટેલ 15801 મતની લીડથી જીત્યા હતા. જ્યારે પરસોત્તમ રૂપાલાએ આ વખતે લીડનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
- બેઠક ઉપર 59.69 ટકા મતદાન નોંધાયું હતું
રાજકોટ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 59.69 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જસદણમાં 55.68 ટકા, રાજકોટ ઈસ્ટમાં 57.88 ટકા, રાજકોટ રુરલમાં 58.58 ટકા, રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા, રાજકોટ વેસ્ટમાં 58.27 ટકા, ટંકારામાં 66.84 ટકા અને વાંકાનેરમાં 64.83 ટકા મતદાન નોંધાયું હતું.
- 2019માં શુ પરિણામ આવ્યા હતા?
- 2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે 3,68,407 મતોથી વિજય થયો હતો. મોહન કુંડારિયાને 63.47 ટકા અને લલિત કગથરાને 32.65 ટકા વોટ મળ્યા હતા.