સિઘ્ધાંતવિહોણું રાજકારણ મહાપાપ અને દેશદ્રોહ હોવાનો પડઘો!
મહાત્મા ગાંધીજીએ ગેબી આકાશવાણી સાંભળી તે જાણવા જેવી !
આપણા દેશમાં સિઘ્ધાંત વિહોણા રાજકારણનું દૂષણ હવે ઘર કરતું ગયું છે. લોકસભાની ચૂંટણીના ઓછાયા વચ્ચે પક્ષપલટાના ગોબરા ગંધારા રાજકારણે પગપેસારો શરુ કરી દીધો છે. શ્રી બાવળીયાએ કરેલા ચોંકાવનારા પક્ષપલટાથી એની શરૂઆત થઇ છે અને એનો નપાવટ સળવળાટ ચાલુ રહ્યો છે. કમનશીબે એને રાજકીય કુનેહમાં ખપાવવામાં આવે છે. આ દુષણ હજુ વકરવાના ચિહનો નજરે પડે છે !
છેક સને ૧૯૨૫માં ગાંધીજીએ સમાજની અધોગતિનાં જ્ઞાન કારણો જણાવ્યાં હતાં. તેમણે એને સાત પપ કહ્યાં છે. તે સાત પાપ નીચે પ્રમાણે છે.
(૧) પરિશ્રમ વિનાની ધનપ્રાપ્તિ (ર) વિવેક વિનાનો સુખોપભોગ (૩) સદાચાર વિનાનો વેપાર-ધંધો (૪) સંવેદન વિનાનું વિજ્ઞાન (પ) શીલ વિનાનું શિક્ષણ (૬) વૈરાગ્ય વિનાની ઉપાસના અને સૌથી મોટું પાપ તે સિઘ્ધાંત વિનાનું રાજકારણ
આજે પણ આ વાત એટલી જ સાચી છે.
પરંતુ ગાંધીજી ઇશ્વરમાં માનતા હતા, પાપ-પુણ્યમાં માનતા હતા.
આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ કહે છે કે, અંગ્રેજી રાજકર્તાઓએ તે વખતના ભારતના મુસ્લીમો દ્વારા હિન્દુસ્તાનના ભાગલાની
માંગણી ઊભી કરાવી તે તે જ રીતે હિન્દુ-હરિજનને લડાવવાની યુકિત કરી હતી.
તેણે એવું જાહેર પણ કર્યુ હતું કે , હરિજનોને હિન્દુઓથી જુદા ગણવામાં આવશે, અને મત આપતી વખતે એકલા હરિજનો જ હરિજન ઉમેદવારને મત આપશે. ગાંધીજી તે વખતે જેલમાં હતા. તેમણે કહ્યું, ‘હું મારા પ્રાણના ભોગે પણ આનો વિરોધ કરીશ. તેમણે આમરણ ઉપવાસ આદર્યા તા. ૨૦-૯-૧૯૩૨નો એ દિવસ હતો. દેશમાં અને દુનિયામાં આને લીધે ખળભળાટ મચી ગયો… તે અરસામાં હરિજનોના સૌથી મોટા નેતા હતા શ્રી ભીમરાવ આંબેડકર તેમણે જેલમાં ગાંધીજી જોડે મસલત કરી, કરાર પણ કર્યા. બ્રિટીશ સરકારે એ કરારને માન્ય રાખ્યો અને તેના પરિણામે હિન્દુઓ અને હરિજનો વચ્ચે પડતી ચિરાડ અટકી ગઇ, અને ગાંધીજીએ ઉપવાસ છોડયા… તેમણે આનો યશ ભગવાનને આપ્યો… તેઓ ઇશ્વરમાં માનતા હતા અને પાપ-પુણ્યમાં માનતા હતા એ વાત આ ઘટનમાં સિઘ્ધ થઇ ’
હજુ ગાંધીજી જેલમાંથી છૂટયા નહોતા ત્યાં અચાનક તા. ૭-૫-૧૯૩૩ ની મધરાતે તેમને અગમ્ય અવાજ સંભળાયો, ‘ઉપવાસ કર!’ ગાંધીજીએ પૂછયું ‘કેટલાં’ જવાબ મળ્યો ‘એકવીસ દિવસના’ બીજી જ સવારે ગાંધીજીએ ઉપવાસ શરુ કરી દીધા.
આ અવાજ વિષે વિનોબાજીએ એકવાર ગાંધીજીને પૂછયું હતું ‘તમે તો કહો છો કે’સત્ય એજ પરમેશ્વર છે, તો આ ઉપવાસ વખતે તમને અંદરથી અવાજ સંભળાયો એ શું?
ગાંધીજીએ કહ્યું, ‘મને અવાજ સાફ સાફ સંભળાયો’ હતો. માણસ બોલે ને સંભળાય તેમ સંભળાયો હતો. તે વખતે મારી સ્વપ્નાવસ્થા ન હતી. હું સાવ જાગૃત હતો. મેં પૂછયું કે મારે બીજું કશું કરવું જોઇએ? તો એણે જવાબ દીધો કે ઉ૫વાસ કર!
વિનોબાજીએ પૂછયું:, ‘ઇશ્વરનું કોઇ રૂપ હોઇ શકે ?’
ગાંધીજીએ કહ્યું, ‘રૂપ તો ન હોઇ શકે, પણ મને અવાજ સંભળાયો હતો’અવાજ સંભળાય તો પછી રૂપ કેમ ન દેખાય?
ગાંધીજીએ કહ્યું, મેં અવાજ સાંભળ્યો, પણ મેં રૂપ ન જોયું, દર્શન ન થયાં, એને ગાંધીજીએ કહ્યું, મેં અવાજ સાંભળ્યો, પણ મેં રૂપ ન જોયું, દર્શન ન થયાં, એને રૂપ હોય એવો મને, અનુભવ નથી થયો. એના સાક્ષાત દર્શન નથી થયાં, પણ થઇ શકે ખરાં !
ઇતિહાસ એમપણ કહે છે કે, આ ઉપવાસ શરૂ થતાં સરકારે ગાંધીજીને છોડી દીધા ઉપવાસ હેમખેમ પાર પડયા તે પછી ગાંધીજીએ દેશમાં મોટા પાયા પર હરિજન-ઉત્કર્ષનું કામ ઉપાડયું હતું. હિન્દુ-મુસલમાન એકતા, હરિજન ઉઘ્ધાર, ગૌ સેવા, ખાદી, ગ્રામોદ્યોગ તથા શિક્ષણમાં શ્રમનું મૂલ્ય દાખલ કરતી બુનિયાદી તાલીમ એ ગાંધીજીના જીવનનાં મહાન કાર્યો બની ગયાં. આ પાયા પર એમને સ્વરાજય ઊભું કરવું હતું.
એક વખતે માંદગી વખતે મનુબહેને દાકતરને બોલાવવાની તજવીજ કરી અને ગાંધીજી ભાનમાં આવી જતાં તેમણે એવું કાંઇ નહિ કરવાનું કહીને મૃદુ સ્વરે દર્શાવ્યું હતું કે, ‘રામ જ મારો સાચો દાકતર છે એને મારી પાસેથી કામ લેવું હશે ત્યાં સુધી એ જ મને જીવતો રાખશે આજે મારી કસોટી થઇ રહી છે. જો રામનામ મારાં હ્રદયમાં પાકું હશે તો હું માંદો નહિ મરું… એનું નામ લેતા લેતાં જ મરીશ’ અને હા, જો હું રોગથી મરું તો દુનિયાને કહેજો કે એ ઢોંગી મહાત્મા હતા.
સામી છાતીએ હું ગોળી ઝીલું છતાં મોંએ રામજીનું રટણ ચાલતું હોય તો જ કહેજો કે આ સાચો મહાત્મા હતો.
વિશ્ર્વના મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇને કહ્યું, ‘ગાંધી એવો અદ્દભુત પુરૂષ હતો કે, આવો માણસ કોઇ કાળે સદેહે પૃથ્વી પર વિચારતો હતો એવું ભવિષ્યમાં કોઇ માનશે પણ નહિ!….
આવા વિશ્વવંધ મહાત્માએ ‘સિઘ્ધાંત વગરના રાજકારણ’ને અર્થાત સ્વાર્થના આધારે કરાતા પક્ષપલટાના રાજકારણને ‘મહાપાપ’ તરીકે ઓળખાવ્યા છે, એને ચાણકયે ‘દેશદ્રોહ’ના અપરાધ જેવી હીનતા ગણાવી છે. મતદારો સાથે ઠગાઇ અને છેતરપીંડી જેવું દુષ્કૃત્ય લેખાવ્યું છે.
આ દેશનું ચુંટણી પછીનું ભવિષ્ય અને આ દેશની ઊગતિ પેઢીનું ભવિષ્ય ચૂંટણીની પવિત્રતા- અપવિત્રતા ઉપર આધારીત રહેશે ! રાજગાદી માટે નેતાઓ અને રાજકીય પક્ષો ગાંડાતૂર બનાવાના સ્પષ્ટ ચિહનો દ્રષ્ટિગોચર થાય છે. ચુંટણી પ્રચારમાં ગરીબ પ્રજાનાં પરસેવાના કરોડો રૂપિયાનો ધુમાડો થવાની આગાહી… પક્ષપલટાનું રાજકારણ સંસદીય લોકશાહીની આબરુને ચીંથરે હાલ કર્યા વિના નહિ રહે !
ચૂંટણીનાં પ્રકાશમાં અશાંતિ અને અથડામણોની સંભાવના નકારાતી નથી.
વધુ તબકકા ગરમાગરમી વધારે અને આચાર સંહિતાના દ્રોહની ઘટનાઓ વધારે તો નવાઇ નહિ ! વ્યકિગત આક્ષેપો માઝા મૂકયા વિના નહિ રહે….
પક્ષપલટા કરનારા અને કરાવનારાઓને રાજકીય લાભને બદલે મતદારોનો ફિટકાર ખમવો પડે એવી જાગૃતિ હવે પ્રજામાં આવતી જવી જોઇએ. દેશની વર્તમાન પરિસ્થિતિએ પ્રજામાં રાજકારણી મોવડીઓ પ્રત્યે નફરત અને ધૃણા સિવાય કાંઇ રહેવા દીધું નથી. જૂના ચહેરાઓમાંના ઘણા પ્રજા પ્રિય થવાનું ચૂકી ગયા છે. સમગ્ર પણે એવી આગામી કાને પડતી રહે છે કે નવા નિષ્યાપ ચહેરાઓ જ ચુંટાય એવું મોજું ફૂંકકાશે અને પ્રજાનો નવતર મિજાજ જ જીતશે તે જીતાડશે!
મતદારો-પ્રજાજનો બનાવટી ભાષણખોરીમાં ભરમાઇને પસ્તાવા સિવાય કશું જ પામ્યા નથી… હવે તેઓ સત્ય, અહિંસા અને શ્રીરામના વિશ્વાસે જ જીવ્યા-મર્યા એ વિશ્વવંદ્ય મહાપુરુષ મહાત્મા ગાંધીજીનાં ઉપર દર્શાવેલ વેણને જ અનુસરે તો નવાઇ નહિ !
આ પહેલા રાષ્ટ્રના વિશાળ હિતમાં અને સવા અબજ આબાલ વૃઘ્ધ નરનારીઓના હિતમાં દેશના રાજકીય પક્ષો અને રાજપુરુષો વચ્ચે કશીક સર્વસંમત સમજૂતિ સધાઇ જાય એમ કોણ નહિ ઇચ્છે ?