તુમ રક્ષક કાહુકો ડરના
શોભાયાત્રા, મહાપૂજા, બટુક ભોજન, ચાલીસાપાઠ, અખંડ જાપ જેવા વિવિધ કાર્યક્રમ
હિંદુધર્મમાં પવનપુત્ર ભગવાન હનુમાનની પૂજાનું ઘણું મહત્વ છે. કોઈપણ વ્યકિત કોઈપણ સમયે બજરંગબલીની પૂજા કરી શકે છે. પરંતુ મંગળવાર અને શનિવાર તેમની પૂજા કરવા માટે ખૂબજ શુભ માનવામાં આવે છે. આ બે દિવસો સિવાય વર્ષમાં એક એવો દિવસ હોય છે જેના પર હનુમત સાધના કર્યા પછી તરત જ બજરંગીના આશિર્વાદ વરસે છે. તેને હનુમાન જયંતિ કહેવામાં આવે છે. આજરોજ હનુમાન જયંતિ નિમિતે શેરી-ગલી-ચોકમાં હનુમાનજીના નાના-મોટા મંદિર જોવા મળે છે. ત્યાં પૂજા અર્ચન-ચાલીસાના પાઠ કરવામાં આવે છે. બટુક ભોજન ઠેર ઠેર કરવામા આવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. હનુમાનજી મંદિર ભકતો ભાવપૂર્વક ઉમટી રહ્યા છે. પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી છે.
જામજોધપુર
જામજોધપુરમાં આજરોજ ચૈત્યન હનુમાન બાલા હનુમાન રોકડીયા હનુમાન સાતવડ હનુમાન સહીત વિવિધ જગ્યાએ ભકિત ભાવપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે જેમાં રામધુન સત્યનારાયણની કથા ભજન બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે.
ધોરાજી
ધોરાજી હનુમાન જયંતિ નીમીતે ધોરાજીના હનુમાનજીના જુદા જુદા મંદીરો ખાતે હનુમાન જયંતિ નીમીતે પૂજા અર્ચના અને મહાઆરતી અને બટુક ભોજનનું આયોજન કરાયું છે. અને વિવિધ મંડળો દ્વારા ઠંડા પીણાના સ્ટોલ પણ રાખવામાં આવેલ છે.
ધોરાજી ખાતે આવેલ પ્રાચીન ઋષિરાજ મહારાજ હનુમાન વાડી આશ્રમ ખાતે અખંડ રામધુન અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયુઁ છે. અને વિશાળ સંખ્યામાં પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો.
આ તકે રૂષિરાજ મહારાજ હનુમાન વાડી ખાતે પુજા અર્ચના અને મહાઆરતી અને વિશ્ર્વ શાંતિ માટે ખાસ પુજા કરવામાં આવેલ હતી. અને વિશાળ સંખ્યામાં લોકોએ દર્શનો લાભ લીધો હતો.
અમરેલી
આજે હનુમાન જયંતિના પાવન અવસર પર દર વર્ષની માફક આ વર્ષે પણ લાખો શ્રધ્ધાળુઓ પદયાત્રા માટે મધરાતથી પ્રસ્થાન કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ મધરાતથી જ તેમની પદયાત્રાનો જ આરંભ કરી દીધો હતો. જેને પગલે પોલીસે અમરેલી, લાઠી, ચાવંડ માર્ગ ગઈકાલથી જ ભારે વાહનો માટે પ્રતિબંધિત કર્યો છે. અમરેલી તથા આસપાસના ગામોમાંથી આવતા આ પદયાત્રીઓને 35 થી લઇ 50 કિમી સુધીની પદયાત્રા કરવી પડે છે. આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભુરખીયા મંદિર ખાતે ઉજવણીનું ભવ્ય આયોજન કરાયુ છે. આ નિમિત્તે અહી લોકમેળો પણ યોજાશે.અમરેલી શહેરમાંથી જ નહી અન્ય માર્ગો પરથી પણ પદયાત્રીઓની ભીડ ભુરખીયા તરફ જોવા મળી રહી છે. અમરેલી પંથકના પદયાત્રીઓએ ગઈકાલે સાંજના પાંચેક વાગ્યા પછી પદયાત્રા આરંભ કરી દીધી હતી. મોટાભાગના પદયાત્રીઓએ રાતના 12 વાગ્યા પહેલા પોતાની પદયાત્રા શરૂ કરી દીધી હતી. જેને પગલે અમરેલીના લાઠી રોડ બાયપાસથી જ ગઈકાલ બપોરના ત્રણ કલાકથી ભારે વાહનોના પ્રવેશ પર જાહેરનામાથી પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ પ્રતિબંધ 6 તારીખ રાતના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.બીજી તરફ અમરેલી તથા આસપાસના વિસ્તારની જુદીજુદી સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા જુદાજુદા સ્થળે ઉભા થનારા 30થી વધુ સ્ટોલમાં પદયાત્રીઓ માટે પાણી, ઠંડાપીણા, ફ્રુટ, આઇસ્ક્રીમ, ફુટ જયુશ, ગાંઠીયા ભજીયા, નાળીયેર પાણી, ચા નાસ્તો વિગેરેની વિનામુલ્યે સેવા કરવામાં આવશે. 35 કિમી લાંબા રૂટ પર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓ અહી હનુમાન જયંતિ પર વહેલી સવારે આરતીના દર્શનનો લાભ લે પછી પદયાત્રીઓને પરત તેમના ગામ લાવવા સેવાભાવીઓ દ્વારા વાહન સેવાની પણ વ્યવસ્થા કરાઇ છે.
સોમનાથ
પવિત્ર તીર્થ ભૂમિ પ્રભાસમાં હિરણ નદીને કાંઠે આવેલ શીતળા માતાજીના મંદિર જવાના રસ્તે દર્શનીય મકરઘ્વજ હનુમાનજીનું મંદિર આવેલું છે.
મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં અંદાજે 40 ફુટ ઊંચી ખુલ્લા નયને સુતેલી સ્થિતિમાં આ મકરઘ્વજ હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા થયેલ છે.એટલે કે સામાન્ય રીતે આપણે મંદિરમાં કાં તો ઉભેલી કાં તો બેસેલી બિરાજમાન મૂર્તિઓ જોવા મળતી હોય છે પરંતુ આ મંદિરમાં સૂતેલી સ્થિતિમાં જમીનભર આ મૂર્તિ જોવા મળે છે. અંદર ચારુ બાજુ દિવાલ છે પરંતુ પ્રથમ માળની ગેલેરીથી આ આખે આખી મૂર્તિના દિવ્ય દર્શન આ વિશાળ મૂર્તિના કરી શકાય છે.
મંદિરના પ્રથમ મઝલે અંજની માતા અને બાળસ્વરુપ હનુમાનજી બિરાજે છે. મંદિરનું સંચાલન બાલાજી ટ્રસ્ટના દ્વારા કરાય છે.મંદિરના મુખ્ય પૂજારી ભરતગીરી ગોસ્વામી બાપુ કહે છે, આ મંદિરમાં હનુમાન જયંતિએ મહાપુજા, બુંદી-ગાંઠીયા પ્રસાદ અને હનુમાન ચાલીસા પાઠ યોજાશે.
મંદિરની સ્થાપના પુજય રાણાભગત દ્વારા આ મકરઘ્વજ હનુમાન મૂર્તિ પ્રતિષ્ઠા કરાઇ છે. આ મંદિરમાં અખંડ ધૂણો અને ચોવીસે કલાક અખંડ દિપ પ્રજવલિત રહે છે.મંદિરના પરિસરમાં નર્મદેશ્ર્વર મહાદેવ, રામદેવ પીરની ડેરી, કાલ ભૈરવ સ્થાન, બિલ્વ પત્ર વૃક્ષ નીચે શિવલીંગ અને નર્મદેશ્ર્વર મંદિરમાં ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિઓ પણ છે. વિશાળ ભવ્ય દિવ્ય મકરઘ્વજ હનુમાનજીની મૂર્તિને દર્શન કરવા શ્રઘ્ધા આસ્થા સાથે ભાવિકો આવતા જ રહે છે અને દર્શનથી ધન્યતા અનુભવે છે.
જુનાગઢ
આજે સર્વેના દેવ એવા પવનપુત્ર મહાબલિ હનુમાનજીની જયંતિ હોવાથી સમગ્ર સોરઠમાં હનુમાન જયંતિની ભાવ ભક્તિ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર સોરઠમાં આજે હનુમાનજીની ડેરીએથી લઈને મોટા મંદિરોમાં ચોલા દર્શન, આભૂષણ, શૃંગાર, અભિષેક, મહા ભોગ અને બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે જૂનાગઢનાં ભવનાથ શ્રેત્રમાં સ્થિત લંબે હનુમાન મંદિર ખાતે હનુમાનજીને 21 હજાર લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો, તો બાયપાસ ઉપર સંતકૃપા નૂતન મારુતિ ધામ ખાતે હનુમાનજીને 5184 લાડુનો થાળ અર્પણ કરાયો હતો.
આજે ચૈત્રી સુદ પૂનમ છે, એટલે કે, હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતિ છે. ત્યારે સમગ્ર સોરઠ આજે ભગવાન હનુમંતમય બન્યું છે. અને નાની મોટી હનુમાનજીની ડેરી થી લઈને મોટા મંદિરો શણગારવામાં આવ્યા છે, તે સાથે હનુમાન દાદાના પૂજન, અર્ચન થઈ રહ્યા છે તથા હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ, યજ્ઞ ચાલી રહ્યા છે. આ સાથે મહા આરતી, ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો અને બટુકો ભોજનના પણ આયોજન કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા લંબે હનુમાન ખાતે ગત વર્ષે 11 હજાર લાડુનો હનુમાનજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે 21 હજાર લાડુના ભોગના દર્શન યોજવામાં આવ્યા હતા. લંબે હનુમાન મંદિરના મહંત અર્જુનદાસ ખાખી ગુરુ રામ દુલારે ખાખીના જણાવ્યા મુજબ હનુમાન જયંતીના દિવસે ભગવાનના ચોલા દર્શન નું ખાસ મહત્વ રહેલું છે, ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે સવારે 8:30 કલાકે ચોલા દર્શનનું આયોજન કરાયું હતું. તથા વહેલી સવારના 6:30 કલાકે પંડિતોના મંત્રોચ્ચાર સાથે ગંગાજળ, મધ, દૂધ, પંચામૃત અને સિંદૂર સાથે હનુમાનજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. 9:30 કલાકે આભૂષણનો શૃંગારના દર્શન અને 10 કલાકે પંચ મેવા એવા 21 હજાર લાડુના ભોગના દર્શનનું આયોજન હનુમાન ભક્તો માટે કરવામાં આવ્યું હતું.