નાણાકીય વહિવટમાં તલાટીની સહી ફરજીયાત કરવાના પરિપત્રનો કર્યો વિરોધ
રાજય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં નાણાકીય વ્યવહારોમાં તલાટીની સહી ફરજિયાત કરવાનો પરિપત્ર બહાર પડાયો છે. ત્યારે પંચાયત રાજની પાયાની સંસ્થા ગ્રામ પંચાયતના સરપંચોની સત્તા હડપ કરવાનું ભાજપનું એક કાવતરૂ હોવાની રાવ સાથે જિલ્લાના ૨૦૦ થી વધુ સરપંચોએ જિલ્લા પંચાયતથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. ત્યારે વીશાળ સંખ્યામાં કલેકટર કચેરીએ જઇને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
પંચાયત રાજની મહત્વની અને પાયાની સંસ્થા ગ્રામ પંચાયતને ગણવામાં આવે છે. ત્યારે વર્તમાન ભાજપ સરકારે માત્ર પરિપત્ર બહાર પાડી ગ્રામ પંચાયતના નાણાકીય વ્યવહારમાં તલાટી કમ મંત્રીની સહી ફરજિયાત કરી હોવાનો ફતવો બહાર પાડ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ગામડાઓમાં તલાટીઓની સંખ્યા ઓછી છે અને બીજી તરફ આવા ફતવાથી સરપંચોની સત્તા છીનવાતી હોવાની રાવ સાથે ૨૦૦થી વધુ ગામોના સરપંચો જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા હતા. જેમાં જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઇ ખાચરની આગેવાનીમાં કારોબારી ચેરમેન દિનેશભાઇ પટેલ, હિંમતલાલ સાપરા, રૈયાભાઇ રાઠોડ વગેરેએ સરકારના નિર્ણયને વખોડી કાઢયો હતો. ત્યારબાદ જિલ્લા પંચાયતથી કલેકટર કચેરી સુધી રેલી યોજી કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ. આવેદનમાં જણાવાયા મુજબ પંચાયતને પરમેશ્વર ગણવામાં આવે છે. ત્યારે સરપંચોની સત્તા છીનવીને ભાજપ સરકાર સત્તાનું કેન્દ્રીકરણ કરવાને બદલે વિકેન્દ્રીકરણ કરી રહી છે. પંચાયત અધિનિયમમાં સુધારા કર્યા સિવાય માત્ર પરિપત્રને આધારે કરેલા નિર્ણય ગ્રામ પંચાયતોના અધિકાર પર તરાપ મારવા સમાન છે. આથી પરિપત્ર તાકીદે રદ્દકરવા માંગણી કરાઇ હતી.
લોકોએ ચૂંટીને મોકલેલા પદાધિકારીઓ પાસે સત્તા છીનવી લેવા જારી કરેલા પરીપત્રને સર મુખત્યારશાહી ગણાવી ૨૦૦થી વધુ સરપંચોએ વિરોધ વ્યકત કર્યો હતો. જો અંગે ફેર વિચારણા કરવામાં નહી આવે તો આગામી વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં વર્તમાન સરકારને દેખાડી દેવાની સરપંચોએ તૈયારી દાખવી હતી. નોંધનીય છે કે સરકારના પરિપત્ર સામે રાજ્યભરના સરપંચોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.