ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર ‘રક્ષાબંધન’
બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરશે તો પંચાગ પ્રમાણે રાખડી બાંધવા આખો દિવસ શુભ
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતો ઉત્સવ એટલે રક્ષાબંધન આ દિવસે જાણે ઉત્સવોનો ત્રિવેણી સંગમ રચાય છે. બ્રાહ્મણો જનોઈ બદલાવે છે તો કનિષ્ઠ વેપારીઓ સમુદ્ર પૂજન કરે છે.
આવતીકાલ તા.22 ઓગષ્ટના રોજ બળેવ છે. બહેન ભાઈના હાથે રાખડી બાંધી તેમની સુખ-સમૃધ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશે. સમગ્ર દેશમાં બળેવનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. તહેવાર આવતા જ લોકોના ઉરમાં આનંદ ઉમંગ છલકાયો છે. શ્રાવણમાસના તહેવારો શરૂ થતાં જ સૌરાષ્ટ્રભરના નાના-મોટા શહેરો, ગામોની બજારોમાં ભીડ જોવા મળી છે.
આ વર્ષે આજે અને કાલે એમ બે દિવસ રક્ષાબંધન ઉજવાશે. આજે નાળિયેરી અને વ્રતની પૂનમ, જયારે આવતીકાલે સૂર્યોદય તિથીમાં રક્ષાબંધન મનાવાશે. સામાન્ય રીતે બ્રાહ્મણો શ્રાવણી પૂર્ણિમાના શ્રવણ નક્ષત્રમાં જનોઈ બદલતા હોય છે.જયારે આ વર્ષે શ્રવણ નક્ષત્ર આજે હોય જેથી આજની તારીખમાં પણ જનોઈ બદલાવી શકાશે. જયારે રાખડી બાંધવાના શુભમૂહર્તો રવિવારે છે. રવિવારે આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ સમય રહેશે. અભિજીત મુહર્ત બપોરે 12.24 થી 1.15 સુધી છે. રક્ષાબંધન પૂર્વે બજારમાં રાખડી લેવા બહેનો ઉમટી છે તો મીઠાઈની દુકાનો, ડેરીઓમાં મીઠાઈ લેવા લોકોની પડાપડી થઈ રહી છે. રક્ષાબંધન બાદ લોકો સાતમ-આઠમના તહેવારો ઉજવવા તૈયારીમાં લાગી જશે.
પ્રેમનું અંજન ‘રક્ષાબંધન’
પવિત્રતા જ સુખ શાંતિ અને સમૃધ્ધિની જનની છે. આમ રક્ષાબંધનએ પવિત્ર બનવાનો, બનાવવાનો પાવક સંદેશ અર્પતો પરમ પુનિત પ્રભાવક પર્વ છે. રક્ષાબંધનને નાળિયેરી પુનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. “સાગર સર્વ તીર્થાની” સાગરના દર્શનમાં સવ તીર્થોના દર્શન થાય છે.
આ સુનહરા દિવસે સાગર પુત્રો, કર્મવીર વ્યાપારીઓ પોતાના જાનમાલની રક્ષા કાજે વરસાદ પછીની શાંતિ હોઇ સાગર ખેડવાની શરૂઆત કરતા પહેલા શ્રધ્ધાથી સમુદ્રમાં શ્રીફળ પધરાવી વરૂણદેવનું વહાલથી પૂજન કરે છે. આ પર્વને બળેવ પણ કહેવાય છે. બ્રહ્મદેવો આ દિવસે જનોઇ બદલે છે અને જનોઇ બદલતી વખતે પ્રાર્થના કરે છે કે, “હે પરમપિતા પરમાત્મા હું વેદનું આજીવન અધ્યયન કરીશ, એનો પ્રચાર-પ્રસાર કરીશ અને વૈદિક જીવન જીવીશ.
“આ પર્વને શ્રાવણી પર્વ પણ કહેવામાં આવે છે. આ માસમાં શ્રવણ નક્ષત્ર આવતો હોઇ શ્રાવણી પુનમ પણ કહેવાય છે. શ્રાવણી એટલે સત્યનું, ધર્મશાસ્ત્રોનું શ્રધ્ધાથી શ્રવણ કરવાનો, કરાવવાનો સુંદર દિવસ.
આમ, રક્ષાબંધન એટલે ભાઇ બહેનના નિર્મળ, નિખાલસ, નિસ્વાર્થ પ્યાર દુલારનું નિનાદ નાદે અસ્ખલિત વહેતું અમી ઝરણું. સ્નેહનું સર્જન અને વેરના વિસર્જનની અલૌકિક તાકાત ધરાવતો તહેવાર એટલે “રક્ષાબંધન”