રાખડીનું અંદાજે રૂ. ૩૦ લાખનું માર્કેટ : કાચા માલમાં જીએસટી લાગતા ગત વર્ષ કરતા ૩૦ ટકા ઓછો ધંધો
આગામી રવિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ત્યારે પોતાના વીરાને કાંડે રાખડી બાંધવા માટે અત્યારથી જ બહેનોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. હાલ બજારોમાં મોટી સંખ્યામાં બહેનો રાખડીની ખરીદી અર્થે ઉમટી પડે છે. હાલ રાખડીના વેચાણનું ૩૦ લાખનું માર્કેટ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. સાથે આ વર્ષે જીએસટીના કારણે ૩૦ ટકા ધંધો ઘટ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન નજીક આવતા મોરબીની બજારોમાં અવનવી કલાત્મક રાખડીઓની ખરીદીનો માહોલ જામી રહ્યો છે. હજારો પ્રકારની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે. પોતાના વિરાના કાંડે રક્ષાનું કવચ બાંધવા માટે બહેનો ઉમંગભેર રાખડીઓ ખરીદી રહી છે.
ભાઇ બહેનના પવિત્ર હેતના તહેવાર રક્ષાબંધનની તા. ૨૬ને રવીવારે ઉમંગભેર ઉજવણી થશે. ત્યારે મોરબીમાં રક્ષાબંધનને લઈને અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના અવસરે બહેનો વિરાના હાથે રાખડીઓ બાંધતી હોવાથી મોરબીની બજારમાં અગાઉથી રાખડીઓનો મોટો જથ્થો ઠલવાયો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ મોરબીના જુદા જુદા સ્થળે રાખડીઓના ૨૫૦ સ્ટોલ નખાયા છે. અંદાજે ૩૦ લાખનું રાખડીઓનું માર્કેટ છે. રૂ. ૫ થી માંડીને ૫૦૦ સુધીની રાખડીઓ મળે છે. આશરે ૧ હજાર પ્રકારની આકર્ષક રાખડીઓ જોવા મળી રહી છે. બહેનોમાં ડાયમંડ, ક્રિષ્ટલ મોતી, ચાંદી સહિતની રાખડીઓ હોટ ફેવરિટ છે. સાથે બાળકો માટે છોટા ભીમ, સુપર હીરોસ સહિતની કાર્ટૂન વાળી રાખડીઓ બહેનો પસંદ કરી રહી છે. વેપારી વિપુલ ટેલિયાના જણાવ્યા મુજબ રાખડીઓના કાચા માલમાં જીએસટી લાગતા ગત વર્ષ કરતા આ વર્ષે રાખડીઓના ધંધામાં ૩૦ ટકા માર પડ્યો છે.