ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અસના સામે યેલા લાંચનાઆક્ષેપોના સીબીઆઈને કોઈ પુરાવા ન મળ્યા!
થોડા સમય પહેલા સીબીઆઈનાં બે ટોચનાં અધિકારીઓ વચ્ચે લાંચ અને ભ્રષ્ટાચારનાં મામલે સામસામા આરોપો થયા હતા. જેના બે વર્ષ પછી સીબીઆઈએ ભ્રષ્ટાચારનાં આરોપોમાં તેનાં પૂર્વ સ્પેશ્યલ ડિરેકટર રાકેશ અસ્થાનાને ક્લીનચીટ આપી છે. તેમની સામે કોઈ પૂરાવા ન હોવાથી તેમને નિર્દોષ જાહેર કરાયા હોવાનું જાણવા મળે છે. રાકેશ અસ્થાનાને ક્લીનચીટની સત્તાવાર પુષ્ટિ કરવામાં ન આવી હોવા છતાં સીબીઆઈનાં અધિકારીક સૂત્રો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીબીઆઈનાં પૂર્વ ડિરેકટર આલોક વર્મા દ્વારા અસ્થાના સામે લાંચ અને ભ્રષ્ટાચારનાં આરોપો લગાવવામાં આવ્યા હતા. આ પછી તેમની સામે ૨૦૧૮માં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. અસ્થાનાની સાથેસાથે ડીએસપી દેવેન્દર કુમારને પણ ક્લિનચિટ અપાઈ હતી.
સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે, માંસના વિવાદાસ્પદ વેપારી મોઈન કુરેશી સામેના મની લોન્ડરિંગ કેસને નબળો પાડવા માટે અસ્થાનાએ ફરિયાદી સતીશ બાબુ સનાને બચાવવા પૈસાની કોઈ માગણી કર્યાનાં કે તેમને પૈસા ચૂકવવામાં આવ્યા હોવાનાં કોઈ પૂરાવા મળ્યા નથી. અસ્થાના અને પકડવામાં આવેલા આરોપી મનોજ પ્રસાદ વચ્ચે કોઈ સંબંધો ન હોવાનું સીબીઆઈએ જણાવ્યું હતું. સતીશ સના અને મનોજ પ્રસાદની વાતચીતમાં કોઈ સરકારી અધિકારી એટલે કે અસ્થાનાની કોઈ સંડોવણી ન હોવાનું સીબીઆઈને જણાયું હતું. ૧૫ ઓક્ટોબર ૨૦૧૮નાં રોજ આલોક વર્માએ તેમના પ્રાથમિક રિપોર્ટમાં હાલનાં આરએડબલ્યુનાં ચીફ સામંત ગોયલ સામે પણ એફઆઈઆર કરી હતી.
આ અધિકારીઓને ક્લીનચીટ આપવાની સાથે તેમની સામેની સીબીઆઈ તપાસનો અંત આવે છે. વર્માએ કરેલી એફઆઈઆરમાં સતીશ સનાએ દાવો કર્યો હતો કે મનોજ પ્રસાદે તેને સીબીઆઈમાં સારા સંબંધો હોવાનું જણાવ્યું હતું અને સતીશ બાબુએ મનોજને દુબઈ ખાતે રૂ. ૧ કરોડ પહેલા હપ્તામાં આપ્યા હતા અને પછી બીજા રૂ. ૧.૯૫ કરોડ આપ્યા હતા.